
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેનાં પરિણામે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.અનરાધાર વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે.અને જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયુ છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત લોકોને સાવચેતી રાખવા અને નદી કિનારા તેમજ કોઝવે પરથી પસાર ન થવા માટે અપીલ કરવામાં આવી રહી છે.સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.તેમ છતા તંત્રની આ તમામ અપીલો અને સૂચનાઓ જાણે કે બેઅસર સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.આ ભયાવહ સ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના સાકરપાતળ ગામ પાસેથી પસાર થતી અંબિકા નદી પરના સુસરદા પુલ પરથી ગ્રામજનો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.ધોધમાર વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે.અને સુસરદા પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પુલ પર પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.આવા જીવલેણ સંજોગોમાં પણ સ્થાનિક ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને પુલ પાર કરી રહ્યા છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને સુસરદા પુલ પરથી લોકોની અવરજવર અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. નદીઓમાં પાણીનું સ્તર હજુ પણ વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ત્યારે લોકોએ પણ સાવચેતી દાખવીને તંત્રને સહયોગ આપવો અનિવાર્ય છે..





