દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ
કુલ ૩૮૦૦ કરતા વધારે લોકોને વ્યસનથી થતાં નુકશાન અંગેની સમજ આપી વ્યસનમુક્તિ માટે માર્ગદર્શિત કરાયા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
વિશ્વ તમાકુ નિષેધ દિન તા. ૩૧મી મેં ના રોજ વિશ્વ સ્તરે ઉજવવામાં આવે છે. ૩૧ મે-વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ આરોગ્ય ફેસીલેટી પર લઘુ શિબિર, ગુરુ શિબિર, જૂથ ચર્ચા વગેરેનું આયોજન કરી વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ૩૮૨૯ લોકોને તમાકુ વ્યસનથી થતા નુકસાન, બિમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉક્ત તમામ લોકોને તમાકુ વ્યસન છોડવા સમજણ આપી વ્યસન મુક્ત થવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા તમામ આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીઓનો સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી દુર રહેવા અને તેમના સંપર્કમાં આવતા લોકોને પણ દુર રાખવા પ્રેરિત કર્યા હતા.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ (COTPA-2003) અન્વયે રેડ કરવામાં આવી હતી. જેમાં કલમ-૪ મુજબ જાહેરમાં ધુમ્રપ્રાન કરતા કુલ-૧૫ કેસ મુજબ રૂ.૨૩૫૦/- દંડ કરી સમજાવામાં આવ્યા હતા. ઉપરાંત તમાકુ વેચાણ થતી દુકાનો પર “૧૮ વર્ષ થી નાની વ્યક્તિને તમાકુ વેચાણ દંડનીય ગુનો છે” એવું બોર્ડ લગાવવામાં આવેલ ના હતી તેવી દુકાનોમાં COTPA-2003ની કલમ-૬ માં ૩૩ કેસ મુજબ રૂ.૪૧૦૦/- દંડ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય કલમમાં કુલ-૩ કેસમાં રૂ.૭૦૦/- એમ મળી કુલ ૫૧ કેસ થકી કુલ રૂપિયા રૂ.૭૧૫૦/- દંડની વસૂલાત કરવામાં આવી હતી.