DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા નજીક શિવરાજપુર બીચ પર ન્હાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

વિશ્વપ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર આવતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ આગામી 30 જુલાઈ સુધી અમલમાં રહેશે.

વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીચની જાળવણી, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિબંધ દરમિયાન કોઈપણ વ્યક્તિને બીચના દરિયામાં નાહવાની કે સ્વિમિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જિલ્લા તંત્રએ લોકોને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિવરાજપુર બીચ રાજ્યના અગ્રણી પર્યટન સ્થળોમાંનું એક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેતા હોય છે. ત્યારે સુરક્ષા અને જાળવણીના હેતુસર લાગુ કરાયેલા આ પ્રતિબંધ અંગે પ્રવાસીઓને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે. પ્રશાસન દ્વારા લોકોને સહકાર આપવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!