દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “નારી વંદન સપ્તાહ” અંતર્ગત “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી કરવામાં આવી
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
મહિલા ઉત્કર્ષ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા “નારી વંદન ઉત્સવ” સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ‘નારી વંદન સપ્તાહ’નાં બીજા દિવસે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ દિવસની ઉજવણી આલ્ફા વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યકમમાં વિદ્યાર્થીનીઓને અંગત સ્વચ્છતા અને આરોગ્ય, ગુડ ટચ-બેડ ટચ, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, જાતિય સતામણી કે કટોકટીનાં સમયમાં ઉપયોગી હેલ્પલાઈન નંબર જેવા કે ૧૮૧ અભયમ, ૧૦૯૮ ચાઈલ્ડ લાઈન, ૧૦૦ પોલીસ વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને ધોરણ-૧૦માં પ્રથમ આવેલ વિદ્યાર્થીનીને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ એજ્યુકેશન કીટ અને મગ દ્વારા સન્માનિત કરાવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાથીઓને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ કિ-ચેન વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ હેલ્પલાઇન તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.