આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કાસિન્દ્રા સ્થિત શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાત લીધી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મંત્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના 7માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આયોજિત ઉજવણીમાં સહભાગી થયા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના કાસિન્દ્રા સ્થિત શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રી ઋષિકેશ પટેલ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના 7માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આયોજિત ઉજવણીમાં સહભાગી થયા હતા.
મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર હોસ્પિટલ પરિસરની મુલાકાત લીધી હતી આ ઉપરાંત વિવિધ વિભાગોની પણ મુલાકાત લઈ બાળ દર્દીઓના ખબર અંતર પૂછી તેમની સાથે સંવાદ સાધ્યો હતો. શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા થતી કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિથી મંત્રીએ વાકેફ કરાયા હતા.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા કરાતી કામગીરીને પ્રશંસનીય અને સરાહનીય ગણાવી હતી. તેમણે ગર્વભેર જણાવ્યું કે, આ હોસ્પિટલની મુલાકાત મારા માટે કાયમ સંભારણું બની રહેશે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, ‘Dil Without Bill’ને ખરા અર્થમાં સાર્થક કરે છે આ હોસ્પિટલ. આ હોસ્પિટલનો રાજ્યના લોકો વધુમાં વધુ કેવી રીતે લાભ લઈ શકે તે માટે સરકાર પણ પ્રયત્નશીલ બનશે.
મંત્રી તથા મહાનુભાવોના હસ્તે બીમારીમાંથી સાજા થયેલા બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં દર્દીઓ માટે શરૂ થનાર વિવિધ પ્રકલ્પો વિશે પણ મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.
મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલના સમગ્ર ટ્રસ્ટીગણ અને ડોકટર તથા સ્ટાફ મિત્રોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સત્ય સાંઈ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ તથા અન્ય ટ્રસ્ટીગણ, દાતાશ્રીઓ, તબીબો ઉપસ્થિત રહ્યા હતા.






