દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે ‘ઓપરેશન અભ્યાસ’ અન્વયે મોકડ્રિલ યોજાઈ

વાડીનાર ખાતે એર રેઇડના કિસ્સામાં પાઇપલાઇનમાં આગ તથા રહેણાંક વિસ્તારમાં રેસ્ક્યુની મોકડ્રિલ યોજાઈ
***
હુમલાની જાણ થતા જ નાગરિકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
***
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોકડ્રીલ યોજવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં યોજાયેલ મોકડ્રીલમાં એર રેઇડના બનાવમાં બપોરના સમયે જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત આઈ.ઓ.સી.એલ કંપનીના કર્મચારીઓની કોલોનીમાં મકાન ઉપર હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.
ઘટનાની જાણ તથા જ પળભરમાં ફાયર તથા, સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ આવી પહોચી નાગરિકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે વાડીનાર પ્રાથમિક શાળા ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા તથા આરોગ્યની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.
ઉપરાંત વાડીનાર ખાતે આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇનમાં હવાઈ હુમલો (એર રેડ)ના પરીણામે આગ લાગી હતી. જેની જાણ થતા તુરંત જ ફાયર, પોલીસ, સીઆરપીએફ સહિતની ટીમો પહોંચી આગ પર કાબૂ મેળવી દુર્ઘટના થતા અટકાવી ઇજા પામેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.
નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં “ઓપરેશન અભ્યાસ” મોકડ્રિલ યોજાઇ હતી.







