જામખંભાળિયા ટાઉનહોલ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો
સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા:
- ગ્રામીણ અર્થતંત્રને વધુ સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્રનું યોગદાન અમૂલ્ય રહેશે
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલાયદા સહકારીતા વિભાગની રચના કરી સહકારથી સમૃદ્ધિનો નવીન માર્ગ આપણે સૌને ચીંધ્યો છે
*****
સહકારથી સમૃદ્ધિ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી શ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિ
*****
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખંભાળિયા ખાતે “સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિવિધ મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ તકે સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ રૂપે જ્યારે આપણે ૭૫ વર્ષની ઉજવણી નિમિતે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવ્યું અને તેની ધુરા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સહકારીતા વિઝનને આગળ ધપાવતા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જવાબદારી સંભાળતાની સાથે જ ૬૦ જેટલા ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવા તેમજ આપણા દેશની હાર્દ સમા ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવાનો મુખ્ય ઉદેશ્ય સહકાર વિભાગનો છે. જિલ્લાનું સહકારી માળખું વધુ મજબૂત બનાવવા ગામોની સહકારી મંડળીને માઇક્રો એટીએમ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે. આથી ગામડાના ખેડૂત કે દૂધ ઉત્પાદકોને નાણાકીય લેવડ દેવડ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતાં તેની જરૂરિયાત હવે ખતમ થઈ જશે.
આપણા ધરતીપુત્રો તથા પશુપાલકો જો સમૃદ્ધ બનશે તો આપણું ગ્રામીણ અર્થતંત્ર સમૃદ્ધ બનશે તેનાથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ સમૃદ્ધિના શિખરો સર કરશે. સહકારી પ્રવૃતિઓ ગામો ગામ વિસ્તરે તેમજ સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે તો આપણે ખરા અર્થમાં સહકારથી સમૃદ્ધિની વિભાવનાને સાર્થક કરી શકશું તેમ મંત્રીશ્રી ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, આજના સમયમાં જંતુનાશક દવાઓના વ્યાપક ઉપયોગને ત્યજીને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી તેના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરીએ. ઉપરાંત, સહકારી ક્ષેત્રમાં વધુને વધુ યુવાઓની સક્રિય ભાગીદારી ઉમેરાય તે માટે ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના થકી સહકારી ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત ઇચ્છુક યુવાઓ માટે નવીન તકોનું નિર્માણ થયું છે. ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા જળવાઈ તે માટેના પ્રયાસોની દિશામાં આગળ વધી રહી છે. તેમજ જિલ્લામાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે સહકારથી સમૃદ્ધિ ખરા અર્થમાં થાય તેવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરવા જોઈએ.
આ તકે મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રના કાયાકલ્પ માટેના નોંધપાત્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. “સહકારથી સમૃદ્ધિ” ના વિઝનને સાકાર કરવા સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી ચળવળને મજબૂત બનાવવા, પાયાના સ્તર સુધી તેની પહોંચને વધુ ગાઢ બનાવવા માટે અનેક સકારાત્મક પ્રયાસો કર્યા છે. ઉપરાંત, દેશનું ભવિષ્ય એવા યુવાઓ સહકારી ક્ષેત્રમાં જોડાઈ તેવા પ્રયાસો કરવા જોઈએ તથા સહકારથી સમૃદ્ધિ થકી વિકાસનો માર્ગ સરળ બને તેવો સૌએ સંકલ્પ કરવો જોઈએ.
“સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા, સહકાર વિભાગના સચિવશ્રી સંદીપ કુમાર, જિલ્લા વિશ્કઃ અધિકારી શ્રી એ.બી.પાંડોર, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેનશ્રી જીતુલાલ, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી અજય સિદ્ધપુરા, અગ્રણી સર્વે શ્રી એભાભાઈ કરમૂર, પ્રભાતભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, રસિકભાઈ નકુમ, મોહિતભાઈ મોટાણી, શૈલેષભાઈ સહિત સહકારી મંડળીઓના હોદ્દેદારો, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦ ૦૦૦ ૦૦૦