‘વિશ્વ યોગ દિવસ’ની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષા ઉજવણી ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૨૨૯ સ્થળો ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં અંદાજિત ૧ લાખથી વધુ લોકો સહભાગી બન્યાં
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અમૂલ્ય ભેટ સમી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લા માં 1229 સ્થળો ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં અંદાજિત ૧ લાખ ૪ હજારથી વધુ લોકો સહભાગી બન્યા હતા.
આ કાર્યક્રમમાં અંદાજિત ૨ હજારથી વધુ લોકોએ સામુહિક યોગ અભ્યાસ કર્યો હતો. યોગ બોર્ડના એક્સપર્ટ કોચ દ્વારા યોગ દિવસ પ્રાર્થના બાદ સૌને યોગાસન તેમજ પ્રાણાયામ કરાવવામાં આવ્યાં હતાં, જેમાં વિદ્યાર્થીઓ, નાગરિકો સાથે કલેક્ટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી માનસેતા, પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત તેમજ ઉદ્દબોધનથી કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી રાજેશ તન્નાએ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી છે હવે તેને જીવનમાં અપનાવવાની આવશ્યકતા છે. આજે સૌએ સમુહ યોગાભ્યાસ કર્યો તેમ દરરોજ નિયમિત યોગ કરીને તેને જીવનનો ભાગ બનાવીએ તે આજની ઉજવણીનો સંદેશ છે.
અગ્રણી પી.એસ. જાડેજાએ યોગને વિશ્વ ફલક પર મૂકવા બદલ વડાપ્રધાનશ્રીને બિરદાવ્યા હતા તેમજ સૌ નાગરિકોને પોતાના દૈનિક જીવનમાં યોગ અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે વિશાખાપટ્ટનમથી રાષ્ટ્રીય તેમજ વડનગરથી રાજ્ય કક્ષાના યોગ દિવસ ઉજવણી કાર્યક્રમોનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદ્દબોધનથી સૌને પ્રેરિત કર્યાં હતાં. મહાનુભાવો દ્વારા યોગવીરોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. યોગ શપથ તેમજ રાષ્ટ્ર ગીત દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.