મેટ્રો નહીં, હવે ગ્રામિણ ભારત બની રહ્યું છે પ્રીમિયમ FMCGનું નવું બજાર…!!
ગામડાં અને નાના શહેરો હવે પ્રીમિયમ એફએમસીજી ઉત્પાદનોના વેચાણમાં વધુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં આ વિસ્તારો 42% હિસ્સો ધરાવે છે, જ્યારે ચાર વર્ષ પહેલાં આ આંકડો માત્ર 30% હતો. વર્લ્ડપેનલ ઇન્ડિયા (અગાઉ કાંતાર)ના અહેવાલ મુજબ, માત્ર મેટ્રો શહેરોના ઉચ્ચ વર્ગ જ નહીં, પરંતુ દેશભરના ગ્રાહકો વધુ ગુણવત્તાયુક્ત, સ્વસ્થ અને મહત્વાકાંક્ષી ઉત્પાદનો માટે વધારાનો ખર્ચ કરવા તૈયાર દેખાઈ રહ્યા છે.
આજની સ્થિતિએ ચા, ટૂથપેસ્ટ, શેમ્પૂ, બિસ્કિટ અને સ્કિનકેર જેવા પ્રીમિયમ ઉત્પાદનો કુલ એફએમસીજી વેચાણમાં 15% હિસ્સો ધરાવે છે. ભલે ગયા વર્ષે વૃદ્ધિ થોડી ધીમી પડી હોય, પરંતુ લાંબા ગાળે વલણ સ્પષ્ટ છે કે વધુ ઘરો રોજિંદા ઉપયોગની મૂળભૂત વસ્તુઓ કરતાં તેના સારા અને પ્રીમિયમ વિકલ્પો તરફ વળી રહ્યા છે.
મહાનગરોના સમૃદ્ધ પરિવારો હવે કરિયાણા કે દૂધ જેવા મૂળભૂત ખર્ચ ઘટાડીને પૈસા હાઉસિંગ અપગ્રેડ, પ્રવાસ, લક્ઝરી કાર અને સ્માર્ટફોન જેવા ખર્ચાળ ક્ષેત્રોમાં લગાવી રહ્યા છે. બીજી તરફ, ગ્રામિણ પરિવારો તેમના બજેટનો ઉપયોગ નાના અને સસ્તા પેક મારફતે પ્રીમિયમ એફએમસીજી અજમાવવા કરી રહ્યા છે. શેમ્પૂ સેચેટ્સ, મીની ટૂથપેસ્ટ ટયુબ અને નાસ્તાના નાના પેકેટોએ બ્રાન્ડ્સને નાના શહેરો અને ગામડાં સુધી પહોંચવામાં મદદ કરી છે.
રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે કુદરતી અને પરંપરાગત તત્વો પર આધારિત સ્થાનિક બ્રાન્ડ્સ સારું પ્રદર્શન કરી રહી છે. રસપ્રદ બાબત એ છે કે ઈ-કોમર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ ઝડપથી વધી રહ્યા છે, છતાં પ્રીમિયમ એફએમસીજી ઉત્પાદનોનું પ્રતિનિધિત્વ આ માધ્યમોમાં હજુ પણ ઓછું છે.