Dhoraji: ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં ૨૧૫૦ ચો.વાર જગ્યા પરનું અનધિકૃત દબાણ દૂર કરાયું – અંદાજિત રૂ. ૩.૨૨ કરોડની જમીન ખાલી કરાઈ
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનધિકૃત ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી સતત ચાલી રહી છે. જેના ઉપક્રમે ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ જગ્યાએથી દબાણો દૂર કરી અંદાજિત રૂ. ૩,૨૨,૫૦,૦૦૦ની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
જેમાં ત્રણ દરવાજાથી ચુનારાપા રોડથી શાહજી હોલ જતા પર ૦૮ આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે ૫૦૦ ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું. જે જમીનની અંદાજીત કિંમત રૂ. ૭૫,૦૦,૦૦૦, પટેલ સાંસ્કૃતિક ભવનથી બ્લુ સ્ટાર સિનેમા થઇ પાવર હાઉસ તરફ જતા રસ્તા પર ૩૦ આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે ૬૫૦ ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું, જેની અંદાજીત કિંમત રૂ. ૯૭,૫૦,૦૦૦ તથા પીપરવાડી સાર્વજનિક પ્લોટમાં કુલ ૧૦ આસામીઓ દ્વારા સાર્વજનિક પ્લોટમાં આશરે ૭૦ વર્ષ પહેલાનું તેમજ ૦૨ ધાર્મિક મંદિરોનું ગેરકાયદેસર રીતે આશરે ૧૦૦૦ ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું, જેની અંદાજીત કિંમત રૂ.૧,૫૦,૦૦,૦૦૦ મળીને કુલ ૨,૧૫૦ ચો.વાર જગ્યા પરના આશરે રૂ.૩,૨૨,૫૦,૦૦૦/-ના ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ કામગીરીમાં ધોરાજી પ્રાંત અધિકારીશ્રી નાગાજણ એમ.તરખાલા, ઇ.ચા.મામલતદારશ્રી બી.વી.ગોંડલિયા, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડિયા સહીત જુનિયર નગરનિયોજકશ્રી સંજયભાઇ બગડા, મ્યુનિસિલ ઇજનેરશ્રી નિલેશ ભેડા દ્વારા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.