વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ ડિસેમ્બર : વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત રાખવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઈતિહાસ, સંસ્કૃતિ, મૂલ્યો, નૈતિકતા અને આદર્શોના સંસ્કાર વિકસાવવાનો રહેલો છે.ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ગાયત્રી શક્તિપીઠ ભુજના માર્ગદર્શન હેઠળ કચ્છમાં આ પરીક્ષા યોજાય છે. વર્ષ ૨૦૨૫માં કચ્છ જિલ્લામાં યોજાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સનરાઈઝ અકેડમી–ભુજની ધોરણ ૮ની વિધાર્થીની ધ્યાની અલ્પેશભાઈ જાનીએ ઉત્તમ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.જિલ્લા કક્ષાની આ ભવ્ય સફળતા બાદ હવે ધ્યાની જાની રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાની જાનીએ અગાઉ પણ ધોરણ ૫, ૬ અને ૭માં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય સ્તરે કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે ધોરણ ૮માં પણ રાજ્ય કક્ષાએ સફળતા મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવી આશા સાથે ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર તરફથી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.





