GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સંવિધાનિક પદની ગરિમા સંવિધાનિક પદ ઉપર બેઠેલા લોકો જ રાખતા નથી, આવી ઉતરતી કક્ષાની રાજનીતિ અરાજકતા ને જન્મ આપે છે:દિનેશ બારીઆ

 

તારીખ ૪/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

રાજનીતિની દ્રષ્ટિએ ગુજરાત હંમેશા શાંત, સરળ અને શ્રેષ્ઠ રહ્યું છે અને ગણાય છે પરંતુ પાછલા એક બે વર્ષથી ગુજરાતના રાજકારણમાં ઉતરતી કક્ષાની રાજનીતિ જોવા મળી રહી છે જે ગુજરાતીઓ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને સત્તામાં રહેવાનું અને સત્તા મેળવવાનું લક્ષ હોય એ સ્વાભાવિક છે પરંતુ તેને પુરુ કરવા માટે નીતિ, અનીતિ, કૂટનીતિ, રણનીતિ, ગેરરીતિ જેવી અનેક બાબતોનો સહારો લેવામાં આવે છે તે લોકો માટે કેટલો ફાયદો કરનાર કે નૂકશાન કરનાર છે તેની કોઈ પરવાહ કે ચિંતા કરતા નથી.

નેતાઓની ભાષા અને વાણી વિલાસ વધવા પાછળનું કારણ જોઈએ તો લોકો પણ છે. જે નેતા વિરોધ પક્ષ કે હરીફ વિશે પાયા વિહોણા આરોપ કે આક્ષેપ લગાવે કે પછી ઉતરતી કક્ષાની ભાષા અને વાણી વિલાસ કરે તે લોકોને ગમવા લાગે છે જેના કારણે નેતાઓ વધારેમાં વધારે આવું વર્તન કરવા લાગે છે.

સંવિધાનિક પદ ઉપર બેઠેલા વ્યક્તિએ સંવિધાનિક પદ ઉપર બેઠેલા બીજા વ્યક્તિની ગરિમા જાળવવી જ જોઈએ આ નિયમ નહીં પણ નૈતિકતાની બાબત છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિ સંવિધાનિક પદ પર જાતે નથી આવી જતો તેની પદ્ધતિ, વ્યવસ્થા, નીતિ નિયમો, પ્રક્રિયાથી પદ મળતું હોય છે તેથી તેના પદની અને પદ્ધતિની ગરિમા પદાધિકારીએ અને લોકોએ જાળવવી જોઈએ. આ એક સામાન્ય સમજદારી છે અને આટલી સામાન્ય સમજદારી પણ જો ના બતાવે તો તેના અભ્યાસ, કેળવણી અને સંસ્કાર ઉપર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.

રાજનીતિમાં વિરોધ, આરોપ, આક્ષેપ કરવો એ સહજ ગણાય પરંતુ ઉતરતી કક્ષાની ભાષાનો ઉપયોગ કરવો, પદની ગરિમા ના જાળવવી એ રાષ્ટ્રને નુકસાન કરનારું પરિબળ છે તેનાથી લોકોમાં ગેર સમજ, અરાજકતા ફેલાય. તેથી આવું કૃત્ય કરનાર લોકો, નેતાઓ (ચૂંટાયેલા પ્રતિનિધિઓ) કે પ્રશાસનના લોકોએ સાવધાની અને સમજદારી રાખવી જોઈએ. રાષ્ટ્રની અને સામાન્ય લોકોના હિત અહિતની કોઈ ચિંતા કરવી જોઈએ. પરંતુ આજ કાલ ખાસ કરીને રાજકીય વ્યક્તિઓ ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે કોઈની પણ ચિંતા કર્યા વગર મન ફાવે તેવું વર્તન કરતા જોવા મળે છે.

ગુજરાતની જનતાએ ગુજરાતના હિત માટે વિચારવું જોઈએ અને સમજવું જોઈએ કે કોઈ પણ પક્ષ પાર્ટીનો વ્યક્તિ હોય પણ જો તે સંવિધાનિક પ્રક્રિયા કે સંવિધાનિક પદ ઉપર બેઠેલા વ્યક્તિનું અપમાન કરે તો સહેજ પણ શરમ રાખ્યા વગર ટકોર કરવી જોઈએ આ કોઈ Philosophy નથી પરંતુ દેશના નાગરિક તરીકે નૈતિક જવાબદારી છે જે આપણે નિભાવી પડશે. તો જ રાજનીતિમાં સભ્યતા, શિસ્ત, સંયમ, વિવેક, સંસ્કાર જોવા મળશે બાકી ભણેલા માત્ર હોવું એ સભ્યતા અને સંસ્કારનું પ્રમાણપત્ર નથી.

સત્તા માટે આવી હલકી કક્ષાની રાજનીતિ આજના કરતા આવનારા સમયમાં ખુબ નુકસાન કરનારી સાબિત થઇ શકે છે.

રાજનીતિમાં ગુણવત્તા વધવી જોઇએ, રાજનીતિને વિજ્ઞાન કહ્યું છે. દિન પ્રતિદિન વૈજ્ઞાનિક તથ્યો, તારણો અને ઉપાયો દ્વારા શ્રેષ્ઠ પરિણામો લાવી રાજનીતિને ઉંચા સ્તર પર લઇ જવી જોઈએ. વર્તન અને શાસનની દુનિયા નોંધ લે તેવું વાતાવરણ બનાવવા લોકોની જાગૃતિ, સમજદારીની આજે જરુર છે. પક્ષ, પાર્ટી, વ્યક્તિ કોઈ પણ હોય જ્યાં અયોગ્ય વર્તન થતું હોય ત્યાં અટકાવવું જોઇએ.

દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારમાં વિસ્તારના વિકાસનો, પોતાની ગ્રાન્ટનો, પોતાના કામનો અને પોતાની જવાબદારીનો રિપોર્ટ લોકોને આપવો જોઈએ પરંતુ આવું ક્યાંય જોવા મળતું નથી ઉલટું કોઈ પણ પુરાવા કે આધારા વગર, પાયા વિહોણા આરોપો અને આક્ષેપો કરતા માત્ર ભાષણો જ કરતા દેખાય છે તેનાથી સામાન્ય જનતાનું ભલું કેવી રીતે થાય?

તેમણે તો પોતાના વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓની સભા ગૃહમાં કે સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને તેનો જવાબ સરકાર પાસે માંગવો જોઇએ. આ પોતાની ફરજ અને જવાબદારી ગણાય જે નેતાઓ નિભાવતા નથી અને લોક ટોળા ભેગા કરીને લોકોની વચ્ચે ઊંચા અવાજે બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનું, ઉશ્કેરવાનું, અયોગ્ય, બિન ઉપયોગી કામ કરે છે.

Back to top button
error: Content is protected !!