
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરામાં 12મી સપ્ટેમ્બરે દીપ્તિબેન મહેતાની 24 ઉપવાસની તપસ્યાની પૂર્ણાહુતિ
મુંદરા, તા. 7: શ્રી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સૂરીશ્વરજી મહારાજા અને આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ તેમજ સાધ્વીજી ભગવંત શ્રી હંસ કીર્તિ મહારાજ સાહેબની પ્રેરણાથી મુંદરામાં એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય શ્રી તીર્થ વંદનજી મહારાજ સાહેબ આદિ ઠાણા ત્રણ અને સાધ્વીજી ભગવંત શ્રી ચારુ પ્રસન્નાજી મહારાજ સાહેબ આદિ ઠાણા ત્રણની પાવન નિશ્રામાં લોડાઈ ગામના વતની અને હાલ મુન્દ્રા નિવાસી દીપ્તિબેન બિપીનભાઈ મહેતાની “ચોવીસ ઉપવાસ અને ચાર બિયાસણા”ની તપસ્યા ચાલી રહી છે, જેની પૂર્ણાહુતિ 12મી સપ્ટેમ્બરે થશે.
શાંતાબેન અને ધારશીભાઈ મહેતાના પુત્રવધૂ તેમજ બિપીનભાઈ મહેતાના ધર્મપત્ની દીપ્તિબેન મહેતાને ધર્મ પ્રત્યે નાનપણથી જ ઊંડી શ્રદ્ધા અને સમર્પણ રહ્યું છે. મુંદરા તપાગચ્છ જૈન સંઘના પૂર્વ પ્રમુખ શ્રીમતી નિમુબેન અને વિનોદભાઈ ફોફડીયાનાં પુત્રી હોવાથી તેમને ધાર્મિક સંસ્કાર વારસામાં મળ્યા છે.
આ પહેલા પણ તેમણે માસક્ષમણ, સિદ્ધિ તપ, વર્ધમાન તપ, આયંબિલની ઓળી, શ્રેણી તપ અને વરસીતપ જેવી અનેક કઠિન તપસ્યાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમની આ તપસ્યાઓ નિર્વિઘ્ન પૂર્ણ થઈ રહી છે. પૂજનીય સાધ્વીજી ભગવંત શ્રી હંસ કીર્તિ મહારાજ સાહેબના આશીર્વાદ અને માર્ગદર્શનથી તેમને આ તપસ્યામાં ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે.
પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દીપ્તિબેન ગમે તેવી પરિસ્થિતિમાં પણ ચોવીહાર અચૂક કરે છે અને જિનશાસનના રંગે રંગાઈને ધર્મના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહે છે. આ તપસ્યાની પૂર્ણાહુતિ નિમિત્તે 12મી સપ્ટેમ્બરે આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. એવું સમાજના અગ્રણી વિનોદ મહેતાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.



