GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામકશ્રી અને સચિવશ્રી

તા.7/11/2025

વાત્સલયમ્ સમાચાર

ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન

તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો ૧,૦૧,૦૪,૫૮૪ ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા

Rajkot: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભ્રા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી.

આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૫,૦૩,૮૩,૦૨૨ મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે. બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી ૧,૦૧,૦૪,૫૮૪ ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.

ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની ૦૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે.

વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા SIR અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!