નિર્મળ ગુજરાત એવોર્ડ્સ તેમજ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ પ્રાદેશિક કમિશનરો સાથે ‘‘સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર’’ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં ભાવનગર ઝોનની જાફરાબાદ, વિસાવદર અને વંથલી આમ કુલ ૩ નગરપાલિકાઓએ વિવિધ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો એમ પ્રાદેશિક કમિશનર ભાવનગરની યાદીમાં જણાવેલ છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામો માટે શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય તેવો વધુ સારો વિકાસ કરવાની આપણી નેમ છે.મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અને કુલ રૂ. ૧૮.૫ કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન”ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાએ ‘‘ક’’ વર્ગની નગરપાલિકાઓની કેટેગરીમાં ગુજરાતની ૬૨ નગરપાલિકા ઓની શ્રેણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જાફરાબાદ નગરપાલિકાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૫૦ લાખનો ચેક તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારૈયા, ઉપપ્રમુખ નિરવ ઠાકર, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી, સેનેટરી ઈન્સપેક્ટર, સીટી મેનેજરોએ હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.જુનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકાએ ‘‘ડ’’ વર્ગની નગરપાલિકાઓની કેટેગરીમાં ગુજરાતની ૧૭ નગરપાલિકાઓની શ્રેણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. નગરપાલિકાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૨૫ લાખનો ચેક તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું.જેમાં નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી, ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયા, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, સેનેટરી ઈન્સપેક્ટર, સીટી મેનેજરોએ હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.જુનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકાએ ‘‘ડ’’ વર્ગની નગરપાલિકાઓની કેટેગરીમાં ગુજરાતની ૧૭ નગરપાલિકાઓની શ્રેણીમાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. નગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૨૫ લાખનો ચેક તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું.જેમાં નગરપાલિકાના પ્રમુખ રાકેશ ત્રાંબડીયા, ઉપપ્રમુખ હુસેનાબેન સોઢા, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર રામજી ધોળકીયા, સેનેટરી ઈન્સપેક્ટર, સીટી મેનેજરોએ હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને અનુલક્ષીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સ્વચ્છતા અભિયાનમાં લીડ લઈને પરિણામલક્ષી કામગીરી કરી છે, જેની તેમણે વિસ્તૃત ભૂમિકા આપી હતી. જ્યારે, સ્વચ્છ ભારત મિશન ડાયરેક્ટર એમ. નાગરાજને આભારવિધિ કરી હતી.રાજયના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ સભાનતા કેળવવા અને સ્વચ્છતામાં ગુજરાત રાજ્યને દેશમાં અગ્રેસર બનાવવા રાજય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન (શહેરી) હેઠળ “નિર્મળ ગુજરાત – ૨.૦” અંતર્ગત રૂ.૨૪૦ કરોડની નવી બાબતને મંજુરી આપવામાં આવેલ છે. જેમાં સફાઈવેરા પ્રોત્સાહન યોજના, એપ્રોચ રોડ/નગરના આઈકોનિક રોડની સફાઈ તેમજ સુંદરતા માટે સહાય, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટના સદંતર નિકાલ માટે સહાય, શૌચાલય માટે રાજ્ય સરકારની વધારાની સહાય, સમર્પિત મેનપાવર અને ડોર ટુ ડોર એમ.આઈ.એસ., વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ – પરિવહન ખર્ચ માટે જરૂરી સહાય, શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અને ‘‘મારૂં શહેર સ્વચ્છ શહેર’’ એવોર્ડનો સમાવેશ કરવામાં આવેલ છે
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ