કાલોલ નગર માં એક કલાક ધોધમાર વરસાદ વરસતા પાલિકાના પ્રાંગણમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
તારીખ ૧૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં સતત એક કલાક ખાબકેલા અનરાધાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ધોધમાર વરસાદથી કાલોલ શહેર સ્થિત નગરપાલિકાના પ્રાંગણમાં ગોઠણડૂબ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જ્યારે ખેતરો જળમગ્ન બનતા ખેતરમાં ચારેકોર પાણી જ પાણી નજરે પડી રહ્યો હતો.કાલોલ શહેર અને તાલુકામાં આજરોજ બપોરના એક વાગ્યાના અરસામાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા છેલ્લા એક કલાકમાં ધોધમાર ભારે વરસાદ પડતાં કાલોલમાં સર્વત્ર પાણી નું સામ્રાજ્ય છવાયું હતું જેના પગલે કાલોલ માં સોમવારે બપોરે સાડા બાર કલાકે ધીમીધારે શરુ થયેલા વરસાદે બપોરના એક વાગ્યે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં એક કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક નીચાણ વાળાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે.જેમાં કાલોલ નગરપાલિકા,બસ સ્ટેન્ડ તેમજ બસ સ્ટેન્ડની પાછળ ના ભાગ ગધેડી ફળીયા,ડેરોલ સ્ટેશન રોડ,કસ્બા વિસ્તાર સહિત નગરપાલિકા વિસ્તારના આજુબાજુની અનેક રોડ રસ્તાઓ સહિત રહેણાંકી વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાતાં રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાનીમાં મુકાયા હતા.તેમજ ખેતરો માં પણ મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે શહેરીજનોને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખુદ નગરપાલિકા પ્રાંગણમાં ગોઠણડૂબ પાણી ભરાતાં માત્ર એક કલાકમાં ખાબકેલા અનરાધાર વરસાદે તંત્રની અણઘડ નીતી અને પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. આગામી ૧૭મી જુલાઈ સુધીમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે.જેના પગલે ચોમાસું સિસ્ટમ સક્રિય થવા સાથે તેજ બનશે તેવી વકી રહેલી છે.ત્યારે પ્રશાસન સતર્ક બનીને જે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.તે વિસ્તારોમાં તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠાવા પામી છે.