ગણદેવી તાલુકાના વિવિધ ગામો ની જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા સ્થળ મુલાકાત,ઝડપથી સહાય માટે સૂચના..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ગણદેવી તાલુકાના વિવિધ ગામો અને બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની એ સ્થળ મુલાકાત લઈને કેશડોલ સહાયની કામગીરી તથા પાણી ઓસર્યાબાદની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નં. ૮ ખાતે આવેલા ઓરિયા-મોરિયા સરકારી ગોડાઉન વિસ્તાર, તલોધ ગામના કોળીવાડ ફળિયા, કલમઠા ગ્રામ પંચાયત તેમજ દેવધા ગામ અને ગ્રામ પંચાયત વિસ્તારની મુલાકાત લીધી હતી.
ગામની તથા નગરપાલિકાની સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ ગામના સરપંચશ્રી, તલાટીશ્રી તથા સંબંધિત અધિકારીઓ પાસેથી ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરી ,નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને મળતી સરકારી સહાય, રાહત કામગીરી તથા સ્થાનિક પરિસ્થિતિ અંગે પૂછપરછ કરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગામના અસરગ્રસ્તોની રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળીને જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ જરૂરી કામગીરીમાં ઝડપ લાવવા સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ કેશડોલ સહાયના લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે માટે કાર્યવાહી ઝડપી બનાવવા, આરોગ્યલક્ષી સેવાઓ અને સ્વચ્છતા સંબંધિત કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ઘરવખરી સર્વે સહિતના તમામ નુકસાન સર્વે ઝડપથી પૂર્ણ કરીને પાત્ર અસરગ્રસ્તોને વહેલી તકે સહાયનું વિતરણ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ અસરગ્રસ્ત નાગરિકોને સરકારની માર્ગદર્શિકા મુજબ દરેક પાત્ર લાભાર્થી સુધી ત્વરિત સહાય પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ, નાયબ કલેક્ટરશ્રી કેતુલ ઇટાલિયા, ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતન દેસાઈ, સંબંધિત ગામોના તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



