મહીસાગર જિલ્લામાં GBS ના શંકાસ્પદ કેસોના પગલે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે વિરણિયા, પાનમ પાલ્લા શાળા અને ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં GBS ના શંકાસ્પદ કેસોના પગલે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે વિરણિયા, પાનમ પાલ્લા શાળા અને ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી
*
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર



બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરી સંબંધિતોને કડક સૂચનાઓ આપી
*
મહીસાગર જિલ્લામાં તાજેતરમાં જોવા મળેલા GBS (ગિલેન-બારી સિન્ડ્રોમ) ના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. જિલ્લાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે આજ રોજ જિલ્લાની વિવિધ શાળાઓ અને બાળ સંભાળ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર ચકાસણી હાથ ધરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ આજે વિરણિયા પ્રાથમિક શાળા, પાનમ પાલ્લા પ્રાથમિક શાળા, સ્થાનિક આંગણવાડી કેન્દ્ર તેમજ લુણાવાડા સ્થિત ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને આ સંસ્થાઓમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન અને અન્ય આહારની ગુણવત્તાની સઘન તપાસ કરી હતી. રસોડાની સાફ-સફાઈ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અનાજ-કરિયાણાની જાળવણી અને રસોઈ બનાવતા કર્મચારીઓની સ્વચ્છતા બાબતે તેમણે ઝીણવટભરી વિગતો મેળવી હતી.
બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપતા કલેક્ટરશ્રીએ શાળાના આચાર્યો, આંગણવાડી કાર્યકરો અને ચિલ્ડ્રન હોમના સંચાલકોને પોષણયુક્ત અને સંપૂર્ણપણે હાઇજીનિક ભોજન પીરસવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. વધુમાં, સંકુલમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા અને કોઈપણ બાળકમાં બીમારીના સામાન્ય લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા તાકીદ કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓથી દૂર રહે અને બાળકોના ખાનપાન તેમજ સ્વચ્છતા બાબતે વિશેષ કાળજી રાખે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને અગમચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.




