AHAVADANGGUJARAT

ડાંગમાં જિલ્લા કલેકટર શાલિની દુહાનના હસ્તે ધ્વજવંદન કરી ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*દેશની આન, બાન અને શાન સમા તિરંગાને ગૌરવભેર સલામી આપી ડાંગની પ્રજા ઉજવણીમાં સહભાગી થઈ*

*શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોથી તરબોળ વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા સૌ દેશભક્તિના રંગે રંગાયા*

આહવા તાલુકાના વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રીના હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને વિતરણ કરાયો*

*પ્રજાલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ કચેરીના કુલ ૬૬ કર્મચારીઓનું પ્રમાણપત્રથી સન્માન કરાયુ* કલેકટરશ્રી-

*આ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આપણા દેશની અખંડિતતા, એકતા, શાંતિ, તમામ જાતિના સમન્વય, અને પ્રગતિના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે*

*ડાંગ જિલ્લામાં સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટે ત્રણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા*

*એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ સુબીર તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન”માં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી*

*કેલ્શિયમથી ભરપુર નાગલી, લાલ તથા કાળા ચોખા, નાગલીની વિવિધ પ્રૉડક્ટ, અડદ્ અને તેની બનાવટની ભારે માંગ*

*ડાંગ જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી દુર કરવા ઉકાઈ ડેમ આધારિત કાકરાપાર વિયરથી ડાંગ જિલ્લામાં બલ્ક પાઈપલાઈન યોજનાની અમલવારી શરૂ*

૭૯માં સ્વાતંત્ર્ય પર્વે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનના વરદ હસ્તે દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત તમામને કલેકટરશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી તેમનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
<span;>ભારત વર્ષના મહાન ક્રાંતિવીરો, સ્વતંત્રતા સેનાનીઓ, શહીદો, અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરનારા સૌ દેશભક્તોને કોટી કોટી વંદન કરી જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, આ પ્રસંગ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આપણા દેશની અખંડિતતા, એકતા, શાંતિ, તમામ જાતિઓના સમન્વય, અને પ્રગતિ માટેના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આજના યુવાનો માટે આ પર્વ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે, સમાજમાં નવીન વિચારધારાઓ, સકારાત્મક બદલાવ અને શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે.
<span;>કલેકટરશ્રીએ ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિ અને ઓળખ અંગે વધુમાં જણાવ્યું કે, આપણો ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો તરીકે ઓળખ ધરાવે છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓની સંસ્કૃતિ ખૂબ જ વિશિષ્ટ અને અનોખી છે. આદિવાસી સમુદાયની જીવનશૈલી પ્રકૃતિ સાથે જોડાયેલી છે. નૃત્ય અને સંગીતના માધ્યમથી લોકો પોતાની પેઢી માટે જ નહીં, સમગ્ર સમાજ માટે પોતાની સંસ્કૃતિને જીવંત રાખે છે.
<span;> રાજ્યનું એક માત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલુ છે. પ્રવાસીઓને જિલ્લાની પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિના લોકજીવનની અનોખી ઝલક આપે છે ત્યારે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં આવતા સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટે (૧) પ્રોજેકટ દેવી (ર) પ્રોજેકટ સંવેદના અને (૩) પ્રોજેકટ પ્રવાસી મિત્ર શરૂ કરવામાં આવ્યા છે.

કલેકટરએ વધુમાં જણાવ્યું કે, ડાંગ જિલ્લા વહીવટી તંત્રને મળેલા ચાર એવોર્ડ્સ એ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે. નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ સુબીર તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન”માં લક્ષ્યાંક મુજબ આરોગ્ય, પોષણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ખેતીવાડી વિભાગના તમામ ઇન્ડિકેટર્સમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારશ્રી દ્વારા ડાંગ જિલ્લાને મેડલથી સન્માનિત કરી ગૌરવ પ્રદાન કર્યુ છે.

વધુમાં કલેકટરએ રમત ગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર ખો-ખો વર્લ્ડ કપમાં ડાંગની દીકરી ઓપીના ભિલાર, “ગોલ્ડન ગર્લ” તરીકે જાણીતી દોડવીર સરિતા ગાયકવાડ અને “ડાંગ એક્સપ્રેસ” તરીકે જાણીતા મુરલી ગાવિતના શ્રેષ્ઠ યોગદાનમાંથી યુવાનોને પ્રેરણા લેવા આહવાન કર્યુ હતું. સાથે જ પર્વતારોહણ ક્ષેત્રે ડાંગ જિલ્લાનું નામ રોશન કરનાર યુવાન ભોવાન રાઠોડને બિરદાવ્યા હતા.

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે મળેલા બહુમાન અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, અહિ રસાયણમુક્ત ખેતી માટેનું વિશેષ અભિયાન હાથ ધરાયુ છે. કેલ્શિયમથી ભરપુર નાગલી અને અહીંના લાલ તથા કાળા ચોખા, નાગલીની વિવિધ પ્રૉડક્ટ, અડદ્ અને તેની બનાવટો શહેરીજનોમાં ખુબ માંગ છે. ‘પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને નાણાકીય સહાય’ નામની યોજના માત્ર ડાંગ જિલ્લા માટે શરૂ કરી છે. ડાંગના ખેડુતો પોતાની ખેત પેદાશોનું ઓર્ગેનિક ગ્રેડીંગ અને સર્ટીફીકેશન કરી FPO બનાવી માર્કેટમાં વેચાણ કરી આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે.

આ પ્રસંગે મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરી કલેકટરશ્રીએ જણાવ્યું કે, મિશન મંગલમ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં કાર્યરત 4110 મહિલા સ્વ સહાય જૂથોમાં જોડાઈને જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરી આત્મનિર્ભર બની છે. આદિવાસી સમુદાયના લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે ચાલતી, આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની અનુસૂચિત જનજાતિ કલ્યાણની યોજનાઓ માટે કુલ રૂ. 4400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કલેકટરએ કહ્યું કે, સરકારશ્રી દ્વારા જિલ્લામાં પાંચ જેટલી પાણી પુરવઠાની જુથ યોજનામાં 70 ગામોનો સમાવેશ કરાયો છે. ડાંગ જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી દુર કરવા ઉકાઈ ડેમ આધારિત કાકરાપાર વિયરથી ડાંગ જિલ્લામાં બલ્ક પાઈપલાઈન યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે.

આઝાદીનાં અમૃતકાળમાં દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરીયાતો નહી પરંતુ “શ્રેષ્ઠ જીવનની” તમામ સેવાઓ જેવી કે, શિક્ષણ, આરોગ્ય, પોષણ, પરિવહન વગેરે, સંપૂર્ણપણે મેળવી શકે તે માટેનું પૂર્વ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લો પ્રવાસન, રમત-ગમત, પ્રાકૃતિક ખેતી, શિક્ષણ, આરોગ્ય, ટકાઉ વિકાસ ક્ષેત્રમાં અગ્રેસર રહી પ્રગતિના પંથે આગળ વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબધ્ધ છે.

સ્વાતંત્ર્ય પર્વ સમારોહના મુખ્ય અધ્યક્ષ જિલ્લા કલેકટર શાલિની દુહાનની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષ ધ્વનિ (વોલી ફાઈરિંગ) કરવામાં આવ્યું હતું. પરેડ કમાન્ડર આર.એસ.આહિરેના નેતૃત્વમાં પરેડનું કલેકટરએ નિરિક્ષણ કરી સૌનું અભિવાદન ઝીલ્યુ હતું. આહવા પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા, એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ, સરદાર વિદ્યાલય અને દીપ દર્શન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોથી તરબોળ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. આ તમામ શાળાની કૃતિઓને શિલ્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સરકારીશ્રીના સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) તરફથી ૧૫મી ઓગસ્ટ નિમિત્તે આહવા તાલુકાના વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રીના વરદ હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને વિતરણ કરવામાં આવ્યો હતો. વિવિધ શાળાના વિધાર્થીઓ દ્વ્રારા ગાંધી બાગથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી દેશ ભક્તિના ગીતો સાથે રેલી કાઢવામાં આવી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમ ના જયઘોષ સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.

આ પ્રસંગે બાળ વિકાસ યોજના, શિક્ષણ, પશુપાલન, મહિલા અને બાળ અધિકારીની કચેરી, આરોગ્ય, ૧૦૮ ઈમરજન્સી સેવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પોલીસ વિભાગની કચેરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ ૬૬ કર્મચારીઓનું પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. સાપુતારાના માલેગામ ઘાટમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરનાર પાંચ વ્યક્તિઓનું પણ ગુડ સમરીટન એવોર્ડ વડે સન્માન કરાયુ હતું. આ સિવાય અંગદાન કરનારના પરિવારના સભ્યનું પણ સન્માન કરાયુ હતું. પર્યાવરણ સંવર્ધનના સંદેશ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું. ૭૯માં સ્વાતંત્ર્ય પર્વે તાલીમ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ૭૯ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. રાષ્ટ્રગાન સાથે ઉજવણીને સંપન્ન કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત, વાસુર્ણા અને પીંપરીના રાજવીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ, નિવાસી અધિક કલેકટર વી.કે.જોશી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયકુમાર ખાંભુ અને અસ્મિતા બારોટે કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!