Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા માર્ગ સલામતી સમિતિ’ ની બેઠક યોજાઈ

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
હાઇવે પર સર્વિસ રોડ, ડાયવર્ઝનની નિયમિત મરામત કરવા, ગેરકાયદેસર મીડીયમ ગેપ તોડતા લોકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપતા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે તોડવામાં આવતા મીડીયમ ગેપ, રોડ સાઈડ દબાણો તેમજ રોડ પરના ખાડાઓ જવાબદાર હોય તે અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
ખાસ કરીને હાઇવે પર રેસ્ટોરાં, હોટેલ, પેટ્રોલ પંપ આસપાસ ગેર કાયદે મીડીયમ ગેપને તોડી માલિકો રસ્તો બનાવતા હોઈ માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આવા મીડીયમ ગેપ બંધ કરવા અને વારંવાર આવી પ્રવૃત્તિ કરતા લોકોની સામે સખ્ત દંડનીય કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગને સૂચના આપી હતી. હાઇવે પર રોડ સાઈડ અનેક ગેરકાયદે ખાણીપીણીની દુકાનો હોઈ ત્યાં ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવનાને ધ્યાને લઈ દબાણ હટાવવા અને જરૂર પડ્યે પોલીસ સાથે રાખી કામગીરી કરવા ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. સાથોસાથ ભારે વરસાદના કારણે હાઇવે અને તેને સંલગ્ન સર્વિસ રોડ પર પડેલા ગાબડાઓને કારણે વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે રોડ રીપેરીંગ, પેચવર્ક કામગીરી સતત ચાલુ રાખવા પણ તાકીદ કરી હતી.
બેઠકમાં નેશનલ હાઇવે, આર.એન્ડ. બી. પંચાયત તેમજ સ્ટેટ, રૂડા સહીત વિવિધ એજન્સી દ્વારા રાજકોટ બામણબોર નેશનલ હાઇવે- 27 પર હાલ પેચવર્ક, રાજકોટ ભાવનગર હાઇવે પર ડામર પટ્ટા, રાજકોટ જેતપુર હાઇવે પર હયાત રોડ પર પેચવર્ક તેમજ સિક્સ લેનની કામગીરી અંગે માહિતી અપાઇ હતી.
આર.ટી.ઓ. દ્વારા હાઇવે પર વાહન અકસ્માત સ્થળની વિઝીટ અને કારણ અંગે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમજ માર્ગ સલામતી જનજાગૃતિ અંગે કરવામાં આવેલા કાર્યક્રમોની વિગત આર.ટી.ઓ. શ્રી કેતન ખપેડે આપી હતી.
રોડ અકસ્માતમાં ઘાયલોને મદદરૂપ બનનાર ‘ગુડ સમરિટન’ લોકોને સન્માનિત કરવામાં આવતા હોવાનું તેમજ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલમાં રૂ. દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર મળવા પાત્ર હોવાનું રોડ સેફટી કાઉન્સિલના મેમ્બર શ્રી જે.વી. શાહે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલિસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર,આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીઓ સર્વે શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર. ખાંભરા, શ્રી રાહુલ ગમારા, શ્રી નાગાજણ તરખલા, એસ.ટી. વિભાગીય નિયામક શ્રી કલોતરા, એ.સી.પી. શ્રી વી.જે. પટેલ સહિત સિવિલ, શિક્ષણ, ૧૦૮ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





