વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે તા. 11/10/2025નાં રોજ યોજાયેલી ખાસ ગ્રામસભામાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હોવા છતાં, વહીવટી પારદર્શિતા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ફરજિયાત ગણાતા મોટાભાગના જવાબદાર સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.આ સભામાં માત્ર સરપંચ જ હાજર રહ્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં નિરાશા અને ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.આ ગ્રામસભાનો ઠરાવ અગાઉ 02/10/2025ની ગ્રામસભામાં કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના વિકાસ કાર્યો, જાહેર સુવિધાઓ અને સ્થાનિક સમસ્યાઓ પર ખુલ્લી ચર્ચા કરવાનો હતો.ગ્રામસભામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે તૈયારી દર્શાવી હતી અને પાણી, રસ્તા, સફાઈ તેમજ અન્ય મહત્ત્વના સ્થાનિક મુદ્દાઓ અંગે પોતાના પ્રશ્નો રજૂ કરવાના હતા. જોકે, સંબંધિત વિભાગના અધિકારીઓની ગેરહાજરીને કારણે આ પ્રશ્નોનો સ્થળ પર જ કોઈ સંતોષકારક જવાબ કે નિરાકરણ મળી શક્યું નહોતુ.અધિકારીઓની આ બેજવાબદારીને કારણે ગ્રામસભાનો મૂળ હેતુ જ નિષ્ફળ ગયો હોવાનો મત ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે.આહવાના જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ અધિકારીઓની આ બેજવાબદારીભરી ગેરહાજરીને લોકશાહીના સિદ્ધાંતોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમની ગેરહાજરી ગ્રામવિકાસના કાર્યોમાં અવરોધ ઊભો કરવાની સંભાવના છે, જે અંગે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવું જરૂરી બન્યુ છે.આ સમગ્ર ગંભીર મામલાની નોંધ લઈને, આહવાના ગ્રામજનો અને આગેવાનો દ્વારા સોમવાર, તા. 13/10/2025ના રોજ જિલ્લા વિકાસ અધિકારી (DDO), ડાંગ ને આ ગેરહાજર રહેલા જવાબદાર અધિકારીઓ સામે સત્તાવાર ફરિયાદ કરવામાં આવશે.ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સખત માંગણી કરી છે કે આ મામલે સત્વરે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે ગેરહાજર રહેલા અધિકારીઓ સામે કાયદેસરની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.ગ્રામસભામાં અધિકારીઓની ફરજિયાત હાજરી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાય તેવી પણ ગ્રામજનોની અપેક્ષા છે.ત્યારે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..