Rajkot: રાજકોટ જિલ્લામાં ૨૬ થી ૨૮ જુન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક યોજાઈ

તા.૨૪/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્યમંત્રીશ્રીની શાળા પ્રવેશોત્સવ વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લાના અધિકારીશ્રીઓ જોડાયા
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી શાળા પ્રવેશોત્સવ અંગેની વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગ્વાહાણે સહિતના અધિકારીઓ કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટરશ્રીએ શાળા પ્રવેશોત્સવના આયોજન અંગે સમીક્ષા કરી હતી તથા જરૂરી સુચનો અધિકારીઓને આપ્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ કહ્યું હતું કે, જિલ્લામાં કોઈ પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે, તમામ બાળકો શાળામાં અભ્યાસ કરે તે માટે ગામના સરપંચશ્રી તથા તલાટી બાળકોના અભ્યાસ માટે પુરતું ધ્યાન આપે. બાળકોના અભ્યાસને સુનિશ્ચિત કરવાની જવાબદારી શાળા પ્રવેશોત્સવમાં સામેલ થનાર અધિકારીશ્રીઓને કલેક્ટરે સોંપી છે.
રાજકોટ શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ (બુધવાર થી શુક્રવાર) દરમિયાન યોજાશે. જે અંતર્ગત શાળામાં પ્રવેશપાત્ર બાલવાટિકાઓમાં ૧૨,૯૫૯ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧ માં ૩૫૯૧ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં એડમિશન મેળવનાર છે. હાલમાં રાજકોટ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૧,૦૬,૧૩૪ જેટલી છે.


