વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૫ ઓક્ટોબર : વિકાસ સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્તનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિકાસ સપ્તાહ અંતર્ગત કચ્છ જિલ્લાના રૂ.૫૦.૭૮ કરોડના ૭૪૬ કામોનું ઈ-ખાતમૂહુર્ત અને રૂ.૨૬.૩૬ કરોડના ૩૧૨ વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છીમાડુઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ હતું કે, ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છ જિલ્લાએ ઔદ્યોગિક, પ્રવાસન, કૃષિ વગેરે ક્ષેત્રોમાં ઐતિહાસિક વિકાસ સાધ્યો છે. ભૂકંપ બાદ કચ્છમાં મા નર્મદાના નીરના અવતરણથી લઈને વિવિધ વિકાસકાર્યો અંગે વિગતવાર જાણકારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આપી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં નાગરિકોને અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ સરકારશ્રી દ્વારા ઘર આંગણે જ મળી રહ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ નાણાંપંચનો ઉલ્લેખ કરીને વિકાસમાં તમામ નાગરિકોને એકસરખા ભાગીદાર બનાવવાના સરકારશ્રીના આયોજનને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેઓએ રાષ્ટ્રના વિકાસ માટે તેમજ વિકસિત ભારત બનાવવાના સપનાને વિકસિત ગુજરાતથી સાકાર કરવા નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી. કચ્છ જિલ્લામાં રણોત્સવથી અનેક લોકોને રોજગારી મળી રહી છે તેમ જણાવીને આજરોજ લોકાર્પિત થયેલા વિવિધ વિકાસકામોથી નાનામાં નાના અને છેવાડાના લોકોના જીવનમાં પરિવર્તન આવશે તેમ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.પ્રાસંગિક પ્રવચન કરતા ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના વિઝનથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી વિવિધ માળખાકીય સુવિધાઓ જાહેરજનતા માટે ઉપલબ્ધ થઈ છે. કચ્છીમાડુઓની હિમ્મતથી અને સરકારના સહયોગથી કચ્છ જિલ્લો આજે અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બન્યો છે. ટુરિઝમના વિકાસના લીધે કચ્છી કલાને પ્રોત્સાહન મળ્યું છે તેમજ સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. રણોત્સવ જેવા આયોજનોથી કચ્છ જિલ્લામાં મોટું આર્થિક પરિવર્તન આવ્યું છે તેમ ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું.કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે વિકાસ સપ્તાહની ઉજવણી વિશે નાગરિકોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પ્રકલ્પો અને યોજનાઓ આજે રાષ્ટ્રીયસ્તરે સ્વીકૃત બની છે. ભૂકંપની આપદા બાદ વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારો અને શહેરોમાં થયેલા આયોજનપૂર્વકના વિકાસ અંગે કચ્છ કલેક્ટરશ્રીએ સૌને અવગત કરાવ્યા હતા. કલેક્ટરશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે તમામ નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ સ્વાગત પ્રવચન કરીને સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને હસ્તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને હાથોહાથ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. મહાનુભાવો સહિત નાગરિકોએ ભુજ ટાઉનહોલ ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ગાંધીનગર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૨૫.૧૬ કરોડના શિક્ષણ વિભાગ, રૂ.૧૪.૬૭ કરોડના સામાન્ય વહીવટ વિભાગ, રૂ.૫.૫૨ કરોડના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રૂ.૨.૮૩ કરોડના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રૂ.૨.૬૦ કરોડના માર્ગ અને મકાન વિભાગ પંચાયત એમ કુલ રૂ. ૫૦.૭૮ કરોડના વિકાસકામોનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. ૧૨.૧૩ કરોડના શિક્ષણ વિભાગ, રૂ. ૭.૩૪ કરોડના સિંચાઈ વિભાગ, રૂ. ૫.૪૭ કરોડના સામાન્ય વહીવટ વિભાગ અને રૂ. ૧.૪૨ કરોડના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કામ એમ કુલ રૂ. ૨૬.૩૬ કરોડના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી પારૂલબેન કારા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનીલ જાદવ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.