
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુંદ્રા,તા.10 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનહિતકારી નીતિઓને કારણે આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ બનાવવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે. ખાસ કરીને ગરીબી રેખા (BPL) હેઠળ જીવતા પરિવારોના સભ્યો અને 70 વર્ષથી વધુ વય ધરાવતા વડીલો માટે હવે આવકનો દાખલો કે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત નથી. આ નીતિગત છૂટછાટોથી લાખો જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્ય વીમાનો લાભ સરળતાથી મળી રહ્યો છે.સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એશ્યોરન્સ (NFSA) હેઠળ સસ્તું અનાજ મેળવતા લાભાર્થીઓની યાદી અને 70 વર્ષથી વધુ વય ધરાવતા લોકોની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદીના આધારે, કોઈપણ આવકના દાખલા વગર આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે.આ ઉપરાંત, આધાર OTPની જરૂરિયાત પણ હવે ફરજિયાત નથી. લાભાર્થીઓ અંગુઠો, આંખ (રેટિના સ્કેન) અથવા ચહેરાની ઓળખ (ફેસ વેરીફિકેશન) જેવી વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા પણ આધાર વેરીફાય કરાવી શકે છે. આનાથી એવા લોકો કે જેમના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, તેઓ પણ સરળતાથી આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.શેખડિયા ગામે આયુષ્માન કાર્ડ કેમ્પને જબરજસ્ત પ્રતિસાદ આ નવા નિયમોની જાણકારી મળતા જ મુંદ્રા તાલુકાના શેખડિયા ગામે યોજાયેલા આયુષ્માન કાર્ડ કેમ્પમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આધાર કાર્ડમાં મોબાઈલ લિંક ન હોય તેવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, અને એક સમયે તો હોલમાં બેસવાની જગ્યા પણ ઓછી પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મચારીઓએ હોલની બહાર બેસીને પણ કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ રાખી હતી.દિવસના અંતે, શેખડિયા ગામે કુલ 148 જેટલા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ, આવી જ રીતે દરેક ગામમાં અલગ અલગ ફળિયામાં આવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે.આ કેમ્પમાં ગામના શિક્ષિત યુવાનોને એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકાય તે અંગેની તાલીમ પણ આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં તેઓ અન્ય લોકોને પણ મદદ કરી શકે.શેખડિયા ગામના અબ્દુલભાઈ ભૂકેરા, કાસમભાઈ ભૂકેરા, નાગાજણભાઈ ગઢવી અને કમલેશભાઈ ગઢવીએ આ કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓને ચા, પાણી અને જમવાની વ્યવસ્થા પૂરી પાડીને અમૂલ્ય સહયોગ આપ્યો હતો.આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં થયેલી આ સરળતાથી વધુને વધુ જરૂરિયાતમંદ લોકો આરોગ્ય કવચનો લાભ લઈ શકશે, જે એક સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.









