
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી (કચ્છ),તા.17 જાન્યુઆરી : પુસ્તકિયા જ્ઞાનની સાથે પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આ હેતુને સાર્થક કરતા માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વર્ષ 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માટે બે ભવ્ય શૈક્ષણિક પ્રવાસોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસો માત્ર ફરવા માટે જ નહીં પરંતુ કચ્છની ઐતિહાસિક ધરોહર અને પ્રાકૃતિક વૈવિધ્યને સમજવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે.
પ્રવાસ-1: ‘રોડ ટુ હેવન’ થી ધોળાવીરા સુધીની વિરાસતની સફર : પ્રથમ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓએ કચ્છના નૈસર્ગિક સૌંદર્ય સમા નાડાપા, વડ વાળો છેડો અને અદભૂત ‘રોડ ટુ હેવન’ ની મુલાકાત લીધી હતી. વિશ્વ વિખ્યાત ધોળાવીરા ફેસ્ટિવલમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓએ હડપ્પીય સંસ્કૃતિ અને પ્રાચીન ઇતિહાસને નિકટથી જાણ્યો હતો. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં પરસ્પર સહકાર અને મૈત્રીની ભાવના ખીલી ઉઠી હતી. આ સફળ આયોજન બદલ કોલેજ પરિવાર દ્વારા વિજય ઝાટિયાનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
પ્રવાસ-2: માંડવીથી લખપત – ઇતિહાસના જીવંત દર્શન કોલેજના ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને અંગ્રેજી વિભાગ દ્વારા આયોજિત બીજા પ્રવાસમાં વિદ્યાર્થીઓએ માંડવીથી લખપત સુધીની યાત્રા કરી હતી. નલિયાની ગુલાબી ઠંડી વચ્ચે કુદરતી દ્રશ્યોનો આનંદ માણવાની સાથે વિદ્યાર્થીઓએ માતાનામઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા પવિત્ર સ્થળોની મુલાકાત લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજ્યું હતું. લખપતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે વિદ્યાર્થીઓને એક સમયના સમૃદ્ધ બંદર અને તેના ભવ્ય ઇતિહાસની જીવંત અનુભૂતિ કરાવી હતી.માર્ગદર્શન અને ટીમ વર્ક આ સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશ બારડના કુશળ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. પ્રવાસ કમિટિના સભ્યો વિપુલભાઈ મિસ્ત્રી, ભાવિશાબેન મઢવી, બંસીબેન ગઢવી અને બંસીબેન શાંતિલાલ ડાંગરા સહિતના અધ્યાપકોએ ખડેપગે રહીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક માહિતી પૂરી પાડી સમગ્ર પ્રવાસને સુવ્યવસ્થિત અને યાદગાર બનાવ્યો હતો.કોલેજ પ્રશાસન દ્વારા જણાવાયું છે કે આવા પ્રવાસોથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે તેમના વ્યક્તિત્વનું ઘડતર થાય છે અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો આદર વધે છે. આગામી સમયમાં પણ વધુને વધુ વિદ્યાર્થીઓ આવા જ્ઞાનવર્ધક પ્રવાસોમાં જોડાય તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે.







