BHUJGUJARATKUTCH

ભુજમાં એકતા પદયાત્રા યોજાઈ; બહોળી સંખ્યામાં મહાનુભાવો/નાગરિકો ઉત્સાહભેર જોડાયા

શ્રી સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું.

ભુજ,તા-૧૮ નવેમ્બર : રાષ્ટ્રવ્યાપી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ના ભાગરૂપે આજે કચ્છના ભુજમાં વિશાળ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અને કચ્છ કલેક્ટર આનંદ પટેલ તેમજ અગ્રણી દેવજીભાઈ વરચંદ સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા એમ.વી.એસ સ્કૂલ, માધાપરથી શરૂ થઈ ગાંધી સર્કલ, મઢુલી ઝાંસી કી રાણી પ્રતિમા માધાપર, આર. ટી. ઓ સર્કલ, જી. ઈ.બી.થી જયુબિલી સર્કલ ગ્રાઉન્ડ ભુજ ખાતે પહોંચી હતી.ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન ભારતની આઝાદીની લડત, ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન કવનને વાગોળતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભુજ વિધાનસભા મતવિસ્તારમાં આ ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરાયું છે. શ્રી સરદાર પટેલે કૂનેહથી સાડા પાંચસો રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું હતું. સરદાર પટેલે સ્વનો નહીં પરંતુ સૌનો વિચાર રાખીને વિકટ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રહિતના નિર્ણયો લઈને દેશ સમર્પિત કાર્યો કર્યા હતાં. તેથી ધારાસભ્ય એ સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈને પોતાના નિર્ણયો પર અડગ રહેવાનો યુવાનોને સંદેશો પાઠવ્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશવ્યાપી ૧૫૦ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રીના દિશાદર્શનમાં યોજાઈ રહેલી એકતાયાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહી છે. આ એકતાયાત્રામાં જોડાઈને એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને અપનાવી, નાગરિકોને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.આ યાત્રામાં મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતીમાને ફૂલહાર ચઢાવી-પુષ્પ અર્પણ કર્યા હતા. પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા સ્વતંત્રતા સેનાનીઓની પ્રતીમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આગેવાનો, મહિલાઓ, બાળાઓ દ્વારા વિવિધ જગ્યાઓએ પદયાત્રાનું ફૂલો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વર્ષ ૧૯૭૧ના યુદ્ધમાં પોતાનો સહયોગ આપનાર વીરાંગનાએ પણ હાજરી આપી લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એકતાયાત્રા દ્વારા મહાનુભાવો અને સહભાગીઓએ સરદાર પટેલ અમર રહો…..ના નાદ સાથે માધાપરથી શરૂ કરીને ભુજના જ્યુબિલિ સર્કલ દેશભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું. પદયાત્રા દરમિયાન રાષ્ટ્ર્રના ઉત્થાન માટે એકતા સાથે વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશનું વહન થયું હતું. આ સાથે ભુજમાં તૈયાર થઈ રહેલા સરદાર સ્મૃતિવન ખાતે મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એકતાયાત્રાના સમાપન પોઈન્ટ જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતાં. એકતા પદયાત્રામાં ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, અગ્રણી દેવજીભાઈ વરચંદ, બનાસકાંઠા પૂર્વ ભાજપ મહામંત્રી ભરતસિંહ ભાટેસરીયા, આગેવાનશ્રી ધવલ આચાર્ય, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી અને તાલુકા પંચાયતના સભ્ય તુષાલીબેન વેકરીયા સહિત પદાધિકારીશ્રીઓ અને આગેવાન ઓએ કૂચમાં જોડાયા હતાં.આ સાથે તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ.ધરિણી, નિવાસી અધિક કલેકટર ડી.પી. ચૌહાણ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, સહિત ભુજ વહીવટી તંત્રના અધિકારી ઓ, કર્મચારી ઓ, હોમગાર્ડ કમાન્ડન્ટ, પોલીસ જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનો અને મહિલાઓએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!