GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા વન ચેતના કેન્દ્ર ખાતે એક દિવસીય ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ -૧૯૭૨’ અંતર્ગત કર્મચારી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

લુણાવાડા વન ચેતના કેન્દ્ર ખાતે એક દિવસીય ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ -૧૯૭૨’ અંતર્ગત કર્મચારી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તથા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વન ચેતના કેન્દ્ર ખાતે એક દિવસીય ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ -૧૯૭૨’ અંતર્ગત કર્મચારી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમનો મુખ્ય હેતુ તેની થીમ ‘માનવ અને વન્યજીવ સહ-અસ્તિત્વ માટે વન્યજીવ અને માનવ વચ્ચેનું ઘર્ષણ અટકાવવાનો’ હતો. આ સાથે જ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વન્યજીવ સંબંધિત ગુનાઓ પર કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવા માટે કાયદાકીય રીતે સજ્જ અને નિપુણ બનાવવાનો પણ ઉદ્દેશ્ય હતો.

આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, “જેમ મનુષ્યને પોતાનું જીવન જીવવાનો હક છે, તેમ વન્ય જીવોને પણ પ્રકૃતિમાં જીવન જીવવાનો અને તેની મજા માણવાનો સંપૂર્ણ અધિકાર છે.” તેમણે ઉમેર્યું હતું કે સરકાર અને વન વિભાગ આ દિશામાં કાર્યરત છે, જેના ભાગરૂપે ‘એક પેડ માં કે નામ’ અભિયાન તથા જંગલોનો વ્યાપ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સરકાર અને વન વિભાગના જાગૃતિ કાર્યક્રમો અને કડક કાર્યવાહીને કારણે હવે ગામડાઓમાં પણ લોકો કાયદા અંગે સભાન થયા છે અને વન્ય જીવોની હત્યા કરતા અટક્યા છે તેમ જણાવ્યું હતું.

વધુમાં ખાસ ભારપૂર્વક તેમણે જણાવ્યું કે, “વિશ્વમાં ડ્રગ્સના સ્મગલિંગ પછી વાઇલ્ડ લાઈફ ટ્રાફિકિંગ (વન્યજીવની ગેરકાયદેસર હેરાફેરી) એ બીજા નંબરની ગુનાહિત પ્રવૃત્તિ છે.”

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વન્યપ્રાણી સપ્તાહ એ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તાલુકે-તાલુકે અને ગામડે-ગામડે વન્ય પ્રાણીઓ અંગે જાગૃતતા ફેલાવવાના અભિગમનું પરિણામ છે. તેમણે ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ જિલ્લામાં બહોળો પ્રતિસાદ મળ્યાની વાત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં નાયબ વન સંરક્ષક સુશ્રી નિશા રાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પવિત્ર તુલસીનો છોડ આપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવો નાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બરોડાથી આવેલ વન્યજીવ સંરક્ષણ સંસ્થાના ટ્રેનર્સ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!