
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ ઘટક–૧ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ‘પોષણ ઉડાન–૨૦૨૬’ કાર્યક્રમની ઉત્સાહભરી ઉજવણી
ગુજરાત રાજ્યમાં ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર દિશામાં ગતિ શરૂ કરતો હોવાથી આ પર્વને ‘ઉત્તરાયણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અબાલવૃદ્ધ સૌને પ્રિય એવા આ તહેવાર નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લામાં પૂર્ણા યોજના અંતર્ગત ઘટક કક્ષાએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેઘરજ ઘટક–૧ કક્ષાએ મેઘરજ ખાતે ‘પોષણ ઉડાન–૨૦૨૬’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પતંગ સુશોભન હરીફાઈ સાથે કિશોરીઓની HB (હિમોગ્લોબિન) તપાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પતંગ મહોત્સવમાં મેઘરજ ઘટક–૧ કક્ષાએ અંદાજે ૮૦ જેટલી કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પોષણ તથા પોષણ સિવાયની વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી. હરીફાઈમાં ભાગ લેનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.કિશોરીઓએ પતંગો પર પૂર્ણા યોજનાને લગતા સૂત્રો લખી પેઇન્ટિંગ કરી, તોરણ બનાવ્યા તેમજ રંગોળી દોરીને કાર્યક્રમને આકર્ષક બનાવ્યો હતો. પોષણ અંતર્ગત ચીક્કીના લાડુ તથા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું અને કિશોરીઓ દ્વારા પતંગના પેચ લગાવી આનંદભરી ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં મેઘરજ ઘટક–૧ કક્ષાએ CDPO મનીષાબેન બ્રહ્મભટ્ટ, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કેન્દ્રની કાર્યકર બહેનો, કિશોરીઓ તેમજ મેઘરજ PSE, BC સહિતનો સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





