Rajkot: શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહની સેવાની અવિરત સફરના ૮૦ વર્ષ પૂર્ણ – ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાળામાં કરાઈ ભવ્ય ઉજવણી
તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં શિક્ષણ આરોગ્ય અને સેવાના ત્રિવેણી સંગમ સમી પ્રતિષ્ઠિત સંસ્થાન શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહને ૮૦ વર્ષ પૂર્ણ થતાં તમામ સંલગ્ન શાળાઓમાંઆ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠના પત્ની શ્રીમતી કાંતાબેન શેઠના દિવ્ય સ્મરણાર્થે આ સેવાકીય સંસ્થાની આઝાદી પહેલા ૧૬ જુલાઈ ૧૯૪૫ માં સ્થાપના કરવામાં આવી હતી. જેના ૮૦ મા સ્થાપના દિન નિમિત્તે શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત તમામ શાળાઓમાં સ્થાપના દિનની સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.
શાળામાં વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ દ્વારા વિદ્યાર્થીનીઓએ પોતાની ખુશીઓ પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે સંસ્થાના માનદ મંત્રીશ્રી વિશાલભાઈ શેઠ મુંબઈથી ખાસ પધાર્યા હતા, તેમની સાથે બીજલબેન શેઠ, ટ્રસ્ટીશ્રી નેહાબેન દફતરી, શ્રી અતુલભાઇ મોદી પણ આ કાર્યક્રમમાં જોડાઈ દીકરીઓને આશીર્વાદ પાઠવેલ હતાં.
શાળાના આચાર્યશ્રી જયશ્રીબેન વોરાએ સંસ્થાની સફળ યાત્રાને પોતાની વિશેષ શૈલીમાં વર્ણવી હતી. પૂજ્ય કાકાએ પ્રગટાવેલ સેવાદીપને ડોક્ટર સુશીલાબેન શેઠ અને પૂજ્ય મોટાબેન શ્રી હીરાબેન શેઠ દ્વારા પ્રજ્વલિત રાખી સમાજને સેવાની પ્રેરક મિસાલ પુરી પાડી રહ્યાનું જણાવ્યું હતું.
સંસ્થા દ્વારા સમાજની વિધવા, ત્યક્તા કે દુઃખી બહેનોને આશરો આપી શિક્ષિત અને દીક્ષિત કરી પગભર કરનાર સંસ્થાનું નારી ઉત્કર્ષનું કાર્ય પ્રેરણાદાયી હોવાનું શ્રી જયશ્રીબેને આ તકે જણાવ્યું હતું.