
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
એસટી બસમાં જતી સગીરા પણ હવે સુરક્ષિત નહીં : ભિલોડામાં એસટી ડ્રાઈવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ – એસટી ડ્રાઈવર ઝડપાયો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની માહિતી બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, સ્કૂલમાં ભણવા જતી સગીરા સાથે આરોપી એસટી ડ્રાઈવરે ઓળખાણ વધારી અને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને અવારનવાર શારીરિક શોષણનો ભોગ બનાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સગીરાએ આખરે હિંમત કરી માતા-પિતાને સમગ્ર મામલો જણાવતા ઘટના પ્રકાશમાં આવી હતી.ઘટનાની જાણ થતા ભિલોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ભાણમેરના વિજય ગામેતી સામે દુષ્કર્મ સહિતના ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.આ ઘટનાને પગલે જાહેર પરિવહન વ્યવસ્થામાં મુસાફરી કરતી મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.





