વેજલપુરમાં એક્સપાયરી દવાઓનો વેપલો, જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે ખરી?

તારીખ ૧૦/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના વેજલપુરમાં સેવાની આડમાં મોતનો સામાન વેચાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. વેજલપુર ગામમાં આવેલ એક મેડિકલ સ્ટોર સંચાલક નફાખોરીની લાલચમાં એટલો અંધ બન્યો છે કે, દર્દીઓના જીવ જોખમમાં મૂકીને મુદત પૂરી થયેલી (Expired) દવાઓ ખુલ્લેઆમ વેચી રહ્યો છે. જાગૃત નાગરિકના હાથે આ કૌભાંડના પુરાવા લાગતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ત્યારે ગ્રાહક દ્વારા જે દવા લેવામાં આવેલી હતી તેમાં વિશ્વસનીય સૂત્રો અને પુરાવાઓ મુજબ, આ મેડિકલ સ્ટોર પરથી Fungikare-200 (Fluconazole 200 mg) અને Flucolab-150 (Fluconazole 150 mg) જેવી હાઈ-ડોઝ એન્ટી-ફંગલ દવાઓ એક્સપાયરી ડેટ હોવા છતાં ગ્રાહકને પધરાવવામાં આવી રહી છે. તબીબી નિષ્ણાંતોના મતે, જો કોઈ દર્દી ભૂલથી પણ આ મુદત પૂરી થયેલી દવા ગળી જાય, તો તેના લિવર અને કિડની પર ગંભીર ઝેરી અસર થઈ શકે છે અને કિસ્સામાં દર્દીનું મોત પણ નીપજી શકે છે.ત્યારે એક તરફ સરકાર ‘સ્વાસ્થ્ય સુરક્ષા’ ના મોટા દાવા કરે છે, ત્યારે વેજલપુરમાં મેડિકલ માલિક કાયદાના ડર વગર બેફામ બન્યો છે. પંચમહાલ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટર અને આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શું આ મેડિકલ સ્ટોર પર દરોડા પાડીને તેનું લાયસન્સ રદ કરવાની હિંમત તંત્ર બતાવશે? કે પછી કોઈ ગરીબ દર્દીના મોતના સમાચાર પછી જ કાગળ પરની કાર્યવાહી થશે? આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે જાગૃત ગ્રાહકએ ચૂપ બેસવાને બદલે પુરાવા સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલને ઓનલાઇન મેઈલ કરીને આખા કૌભાંડની વિગતો મોકલી આપી હોવાની વિગતો સામે આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ‘પેપરલેસ’ વહીવટના દાવા કરતું તંત્ર આ મેઈલ પર કેટલી ઝડપથી એક્શન લે છે.?





