
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં ૧૫૦ વિદ્યાર્થીઓની આંખની તપાસ કરવામાં આવી : નંબર વાળા બાળકોને અપાશે વિનામૂલ્યે ચશ્મા
મુંદરા,તા.3: કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી અને બાળ આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ મુંદરા તાલુકામાં ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આંખની વ્યાપક તપાસનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી શોધી, સમયસર સારવાર આપી તેમના શિક્ષણમાં આવતા અવરોધને દૂર કરવાનો હતો.
આરોગ્ય વિભાગની સુવ્યવસ્થિત કામગીરી હેઠળ શાળાઓમાં પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસની જરૂર જણાય તેવા ૧૫૦ બાળકો માટે મુંદરાના રોટરી હોલ ખાતે ખાસ કેમ્પ યોજાયો હતો. અહીં ઓપ્થોલમિક અસિસ્ટન્ટ કાર્તિક સોલંકી દ્વારા અદ્યતન ડિજિટલ મશીનની મદદથી બાળકોની આંખના નંબરની સચોટ તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં જે બાળકોને ચશ્માની જરૂરિયાત જણાઈ છે તેમને સરકાર દ્વારા શાળા કક્ષાએ જ સંપૂર્ણ વિનામૂલ્યે ચશ્મા પહોંચતા કરવામાં આવશે. ગંભીર સમસ્યાવાળા ૩ બાળકોને વધુ તપાસ માટે જિલ્લા કેન્દ્ર પર રિફર કરાયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુંદરા RBSK ટીમના ડૉ. સંજય યોગી, ડૉ. સોહાના મિસ્ત્રી, ડૉ. અવની બેંકર, ડૉ. રાજ શાહ, વિપુલ સોરઠીયા, આકાંક્ષા મહેશ્વરી અને મનીષા સિજુએ જહેમત ઉઠાવી હતી. રોટરી ક્લબના સહયોગ બદલ આરોગ્ય તંત્રએ આભાર માન્યો હતો.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ એક યાદીમાં જણાવ્યું છે કે, જે બાળકોની તપાસ હજુ બાકી હોય, તેઓએ તાત્કાલિક પોતાના શિક્ષક પાસે નામ નોંધાવવા. આરોગ્યની ટીમ ફરી શાળાની મુલાકાત લઈ તપાસ કરશે અને કોઈ પણ બાળક સારવાર વિના બાકી ન રહે તેની ખાતરી કરવામાં આવશે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




