હાલોલ:શ્રાવણનાં છેલ્લાં સોમવારે હાલોલ શહેરના શિવમંદિરોમાં શિવજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા,હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૫
આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા સોમવારના કારણે હાલોલ શહેરમાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો હતો.વહેલી સવારથી જ મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી રહ્યાં છે. વહેલી સવારથી જ હાલોલ શહેરના તળાવ કિનારે આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર, કજરી રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર,વડોદરા રોડ પર ભીમનાથ મહાદેવ મંદિર,સ્મશાન ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર,હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર તેમજ બળીયાદેવ મંદિર ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સહિત હાલોલ શહેર તેમજ તાલુકાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.જ્યારે આજના દિવસે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે.









