
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના દરડી ગામે પરોણા આવેલ કૌટુંબિક જમાઈને જમતી વખતે ગમે તેમ બોલવા લાગતા તેને ગમે તેમ બોલવાની સાઢુંભાઈએ ના પાડતા જમાઈએ થેલામાંથી કુહાડી વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચેવડી ગામ ખાતે રહેતા બીપીન ગમનભાઈ ગામીત છેલ્લા કેટલાક વર્ષથી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દરડી ગામ ખાતે રહેતી સોમીબેન રામચંદભાઈ પવાર સાથે પતિ પત્ની તરીકે રહે છે.ગત રવિવારે સોમીબેન ના કૌટુંબિક બનેવી જૂલુફ જલુભાઈ પવાર (રહે. કુકડનખી તા. વઘઈ જી.ડાંગ) તેમના ઘરે પરોણા મહેમાન બનીને આવ્યા હતા. જે અગાઉ પણ અવારનવાર આવતા હતા. આ દરમિયાન બીપીન ગામીત તેઓના ગામ ચેવડી ગામે ભાત રોપણી કરવા માટે ગયા હતા.અને બુધવારે રાત્રે ઘરે આવ્યા હતા. અને તેઓ સાઢુંભાઈ સાથે જમવા બેસતા જુલફભાઈએ બીપીનભાઈને મન ફાવે તેમ બોલતા બીપીનભાઈએ કહ્યું હતું કે, તમે જમતી વખતે મને મન ફાવે એમ બોલો નહીં શાંતિથી જમી લો, કાયમ અમારે ત્યાં પરોણા આવો છો તો કેમ મન ફાવે તેમ બોલો છો. હવે મને ગાળા ગાળી કરશો નહીં અને જ્યાં ત્યા ભટકવાનું બંધ કરી અમારા ઘરે શાંતિથી રહેવું.આવું કહેતા જુલુફભાઈ ગાળાગાળી કરવા લાગ્યા હતા અને થેલામાંથી એક કુહાડી કાઢી બીપીનભાઈનાં માથાના પાછળના ભાગે તથા ગરદનના ભાગે મારતા બીપીનભાઈ નીચે જમીન પર પડી ગયા હતા.અને જુલુફભાઈ ત્યાંથી આજે તો તું બચી ગયેલ છે તને તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપીને જતા રહ્યા હતા.જે બાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે બાદમાં તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ બનાવને પગલે સોમીબેને વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં વઘઈ પોલીસની ટીમે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





