
દેડીયાપાડાના બેબાર ગામના ખેડૂત નરપતભાઈ પ્રાકૃતિક ખેતી તરફની સફર ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/11/2025 – નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણ ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક કૃષિની તાલીમ પણ ખેડૂતોને આપવામાં આવી રહી છે. ત્યારે દેડીયાપાડા તાલુકાના બેબાર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી નરપતભાઈ તારસિંગભાઈ વસાવા આજે પ્રાકૃતિક ખેતી અપનાવીને અનેક ખેડૂતો માટે જીવંત પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. આધુનિક ખેતીમાં વધી રહેલા રાસાયણિક ઉપયોગ સામે તેઓ સ્વસ્થ, ટકાઉ અને કુદરતી ખેતી તરફ વળીને પોતાના વિસ્તારનાં કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીનું યોગ્ય જ્ઞાન મેળવવા માટે તેમણે બાગાયત ખેતી, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિશેષ તાલીમ મેળવી હતી. સાથે કે.વી.કે. દેડિયાપાડા ખાતે મશરૂમ ઉત્પાદન અંગેની તાલીમ મેળવી હતી. હાલમાં તેઓ આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ મેળવી CRP તરીકે ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે, અને ક્લસ્ટર ગ્રુપમાં પ્રાકૃતિક ખેતીની વ્યાપક સમજ પુરી પાડી રહ્યાં છે.
ખેડૂત શ્રી નરપતભાઈ વસાવા પોતાના ખેતરમાં મિશ્રપાક પદ્ધતિ સફળતાપૂર્વક અપનાવી રહ્યા છે. જેમાં હળદર–મકાઈનું અને કોબીજ–ફ્લાવર સાથે જુવારનું મિશ્રપાક જમીનની ઉપજ શક્તિ અને સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થઈ રહ્યું છે. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત સુરતી પાપડી, તુવેર, ચોળી અને ભીંડાના ગુણવત્તાયુક્ત બિયારણથી તેઓ વધુ ઉપજક્ષમ ખેતી કરી રહ્યા છે. તે ઉપરાંત તેઓ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દેશી ગાય આધારિત વિવિધ દ્રાવણોનો ઉપયોગ કરીને રાસાયણિક મુક્ત, પોષક અને ટકાઉ ખેતીનું મોડલ ઉભું કરી રહ્યા છે.
શ્રી નરપતભાઈ વસાવા જણાવે છે : “અગાઉ હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો હતો, પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ઉત્પાદન તથા જમીનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હવે હું સી.આર.પી. તરીકે ફૂલસર ગામના ખેડુતોને દેશી ગાય આધારિત દ્રાવણ, વર્મીકમ્પોસ્ટ અને કુદરતી ખાતરોના ઉપયોગ અંગે તાલીમ આપી રહ્યો છું.”
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધતો વ્યાપ ગુજરાતના માન. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી વધુ મજબૂત બન્યો છે. તેમની દિશાદર્શનાત્મક માર્ગદર્શિકાથી નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ પ્રાકૃતિક ખેતીને સ્વીકૃતિ મળી રહી છે. શ્રી નરપતભાઈ જેવા પ્રયત્નશીલ ખેડુતોના પ્રયાસોથી અનેક ખેડૂતો રાસાયણિક મુક્ત, સ્વસ્થ અને ટકાઉ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.
આજે નર્મદા જિલ્લાના ખેડૂતો દેશી ગાય આધારિત દ્રાવણો, વર્મીકમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતરો અને કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ વધારી રહ્યા છે, જેના પરિણામે ખેતી ફરીથી કુદરત સાથે જોડાઈ રહી છે. આ અભિગમ માત્ર જમીનને જ નહીં, પરંતુ ઉત્પાદન અને આવકને પણ વધુ સ્થાયી અને સમૃદ્ધ બનાવે છે.
શ્રી નરપતભાઈ વસાવા જેવા ખેડૂતોના આગેવાન રૂપના પ્રયાસો નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું નવું મોડલ ઉભું કરી રહ્યા છે – જે સાચા અર્થમાં “નવી દિશાનો માર્ગદર્શક” બની રહ્યા છે.




