ગોધરામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ‘ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ’ યોજાઈ
૧૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનું માર્ગદર્શન અપાયું

પ્રતિનિધિ શહેરા તા 23
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે સીધો સંવાદ સાધવા ‘ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ખેડૂતોને ખેતી અને પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભાવિનભાઈ મહેતાએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને તેના ફાયદાઓ વિશે વિગતવાર સમજ આપી હતી. ત્યારબાદ નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર કનુભાઈ પટેલે પંચમહાલમાં મકાઈની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી અને ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેતીની આવક કેવી રીતે વધારી શકાય તે અંગે માહિતી આપી હતી.
પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા માટે ડેરી વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના ભાવિનભાઈ પટેલ અને લીમખેડા કેન્દ્રના વૈજ્ઞાનિકે પશુપાલનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સંચાલન કરતા ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર દીક્ષિતભાઈ મકવાણાએ પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ અંગે મુદ્દાસર ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના સાતેય તાલુકામાંથી ૧૦૦થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે આત્મા પ્રોજેક્ટના યોગેશભાઈએ આભારવિધિ કરી હતી.






