
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૨૨ જાન્યુઆરી : ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે અનેક યોજના અમલી કરવા સાથે રાજ્ય સરકારે ખેડૂતોને માર્કેટીંગ માટે સીધુ બજાર પણ પુરૂ પાડ્યું છે. ભુજ ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક બજારમાં મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાથી ખેડૂતોના ઉત્પાદનો સારા ભાવ વેચાઇ રહ્યા અને નાગરિકોને પણ ઘર આંગણે ઝેરમુક્ત શાકભાજી, ફળ, કઠોળ વગેરે પ્રાપ્ત થાય છે.
ભુજમાં ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના ૪ થી ૭ વાગ્યા સુધી ભરાતા બજારના કારણે કોઇપણ વચેટીયા વગર ખેડૂતો સીધા જ પોતાનો માલ ગ્રાહકોની આપી શકવા સક્ષમ બન્યા છે. આ બજારમાં ખેડુતો ફળ, શાકભાજી, મસારા, કઠોળ, ઘી, ઘર ઉપયોગી અન્ય પ્રોડકટ વગેરેનું સીધું વેચાણ ગ્રાહકો કરે છે. આ તમામ ઉત્પાદનો ૧૦૦ ટકા રાસાયણિક ખાતર કે જતુંનાશક દવા વગરના પ્રાકૃતિક ખેતીથી મેળવેલા હોવાથી લોકોના સ્વાસ્થય માટે વરદાનરૂપ છે.
આ અંગે વરઝડીના ભાવેશભાઇ માવાણી જણાવે છે કે, ભુજ ખાતે ભાનુશાલી નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ. અહીં શાકભાજી, કઠોળ, ફળ, મસાલા તેમજ મૂલ્ય વર્ધિત પ્રોડકટનું વેચાણ કરતા સારો એવો ફાયદો થઇ રહ્યો છે. અગાઉ અમે માત્ર બાગાયતી પાક લેતા હતા પરંતુ પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પધ્ધતિના કારણે અમે વર્ષભર અન્ય ઉત્પાદનો મેળવી રહ્યા છીએ. અમને તો સંતોષકારક ભાવ મળી રહ્યા છે સાથે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે.
હું સરકારશ્રીનો ખાસ આભાર વ્યકત કરું છું કે, તેઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે માર્કેટ પણ પુરૂ પાડ્યું છે.
પ્રાકૃતિક બજારમાં ઉત્પાદનો વેચતા ભુજ તાલુકાના કોડકીના માવજીભાઇ ખેતાણી જણાવે છે કે, તેઓ ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે, બાગાયતી ખેતી સાથે શાકભાજીનો પાક પણ લે છે. જેના વેચાણ માટે ભાનુશાલી નગર ખાતે દર મંગળવારે આવે છે જેમાં તેઓને ભુજવાસીઓનો સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે. અગાઉ તેઓના પિતા રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ તેના દુષ્પરિણામોના કારણે તેઓએ ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો અને હાલે બીજામૃત, જીવામૃત, દશપર્ણી અર્ક વગેરે જાતે જ બનાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે.
ભુજ ભાનુશાલી નગર ખાતે નિયમિત ખરીદી કરવા આવતા દિપેશ શાહ જણાવે છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ દર મંગળવારે ખરીદી કરવા અચૂક આવે છે. કોઇપણ જતુંનાશક દવા કે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી, કઠોળ, મસાલા તથા અન્ય જરૂરીયાતની વસ્તુઓનું ખેડૂતો અહીં વેચાણ કરે છે. જેના કારણે અમને ઝેરમુક્ત ઉત્પાદનો મળતા થયા છે. આ માટે અમે સરકારના આભારી છીએ કે, અમારા ઘર આંગણે જ અમને આ અવસર પ્રાપ્ત થયો છે.







