ધ્રાંગધ્રા તાલુકાના 7 ગામોનાં ખેડુતોનો વીજ લાઇન નાખવા સામે સોશ્યલ મીડિયામાં વિરોધ

તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્યમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ અને વીજ લાઈન નાખવાની કામગીરી જ્યાં પણ શરૃ કરી હતી ત્યાં વારંવાર ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ વચ્ચે વળતર અંગે ઘર્ષણ થવાના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક વીજ લાઈન નાખવાની કામગીરીને મંજૂરી મળતા ધ્રાંગધ્રા તાલુકાના સાત ગામોના ખેડુતોએ સોશિયલ મીડિયા પર વિરોધ કરવા ઝુંબેશ શરૂ કરી છે ધ્રાંગધ્ર તાલુકાના રતનપર, કોંઢ, કલ્યાણપુર, રામપરા, રાવળીયાદર, રાયગઢ અને કનકપુર સહિતના ગામોમાં વીજ લાઈન નાખવાની કામગીરી કરવા માટે ગત તા.01 ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ છે જેની ખેડૂતોને જાણ થતા જ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોની માંગ છે કે ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ખેડૂત ખેતરમાં ઘૂસી ઊભા પાકને નુકસાન પહોંચાડતા કંપની સામે નારાજગી જોવા મળી રહી છે આ અંગે ખેડુતો કામગીરી રોકવા પ્રયાસ કરે તો ખાનગી કંપનીના કર્મચારીઓ ગેરવર્તન કરે છે અને અવારનવાર રક્ઝકના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક ખાનગી કંપનીનું વીજ લાઈન નાખવાનું કામ શરૃ થાય તે પહેલાં જ ખેડૂતોએ સોશિયલ મીડિયા પર વિરોધ કરતા આગામી દિવસોમાં કંપની સામે નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.




