
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ઝાંઝડ ગામમાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત ઝાંઝડ ગામથી નર્મદા કિનારે આવેલ રેવા દર્શન સુધી વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ મુદ્દે ઝાંઝડ ગામના ખેડૂતો શિનોર સ્થિત MGVCL કચેરી ખાતે ભેગા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વાંધો નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા શિનોર MGVCLના નાયબ ઇજનેર, શિનોર મામલતદાર તેમજ શિનોર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાથી ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે તેમજ ભવિષ્યમાં ખેતીકામ કરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થશે. ઉપરાંત, વીજ થાંભલાઓના કારણે ભવિષ્યમાં અકસ્માત થવાની અને જાનહાનિ થવાની શક્યતા હોવાની પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ કામગીરી નંદ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ કરી છે.




