વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા. 9 સપ્ટેમ્બર : શિક્ષકોને વર્ગખંડની સમસ્યાનો ઉકેલ મળી રહે તે ઉદ્દેશથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા વ્યવસાયિક સજ્જતા તાલીમનું પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બે ઝોનમાં આયોજન કરાયું છે. પૂર્વ કચ્છમાં રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને મુન્દ્રા જ્યારે પશ્ચિમ કચ્છમાં ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના શિક્ષકોનો સમાવેશ કરાયો છે. તારીખ 9 થી 11 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય તાલીમમાં 589 માસ્ટર ટ્રેનર્સ શિક્ષકોને તાલીમ આપવામાં આવનાર છે. આ બાબતે ડાયટ ભુજ દ્વારા સતાવાર પરિપત્ર જાહેર કરી શિક્ષકોને કેમ્પના સ્થળની જાણ કરાઈ હતી. જોકે, તાલીમના સ્થળને લઈને તંત્રનું અણઘડ આયોજન છતું થયું હતું. આ અંગે શિક્ષકોમાં નારાજગી સાથે ગણગણાટ વ્યાપ્યો હતો અને સ્થળમાં ફેરફાર કરવાની માંગણી ઉઠી હતી. આ બાબતે શિક્ષકોના જણાવ્યા પ્રમાણે પોતાના હેડ ક્વાર્ટસથી તાલીમ સ્થળ વચ્ચેનું અંતર વધારે હોઇ તેમજ ત્યાં પહોંચવા માટે વાહન વ્યવહારની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોતા તાલીમના સ્થળમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી. સંબંધિત શિક્ષકો દ્વારા પોતપોતાના તાલુકા સંગઠનનો સંપર્ક કરીને તાલીમ સ્થળમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર, હરિસિંહ જાડેજા, રામુભા જાડેજા, નિલેશ ગોર, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો દ્વારા તાલીમ સ્થળમાં ફેરફાર કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ડાયેટના પ્રાચાર્ય પાસે રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનની રજૂઆતના પગલે આખરે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય દ્વારા તમામ તાલુકાના લાયઝન અધિકારી અને બી.આર.સી. કો. ઓર્ડીનેટરને પત્ર કરી તાલીમના સ્થળમાં કરેલ ફેરફાર બાબતે શિક્ષકોને જાણ કરવા સૂચના અપાઈ છે. હવે પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને મુન્દ્રા ખાતે રાખવામાં આવેલી તમામ તાલીમનું સ્થળ મોડેલ સ્કુલ, અંજાર રહેશે જ્યારે પશ્ચિમ કચ્છના ભુજ, માંડવી, નખત્રાણા, લખપત,અબડાસા ખાતે રાખવામાં આવેલી તમામ તાલીમના સ્થળ પૈકી નખત્રાણા અને ભુજ તાલુકાના વર્ગોનું સ્થળ નવચેતન અંધજન મંડળ, માધાપર ખાતે રાખવામાં આવેલ છે તો અબડાસા, લખપત અને માંડવી તાલુકાના વર્ગો ઓલ્ફ્રેડ હાઇસ્કુલ, ભુજ ખાતે રાખવામાં આવેલ છે. આ નિર્ણયથી સબંધિત શિક્ષકોમાં રાહતની લાગણી વ્યાપી હોવાનું જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.