
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકાના ૧૮ ગામો માટે આવતીકાલે મોખા મધ્યે ‘સેવા સેતુ’ કેમ્પ: સરકારી સેવાઓનો ઘરઆંગણે મળશે લાભ
મુંદરા: તા. 9:
ગુજરાત સરકારના પારદર્શક વહીવટ અને ‘નાગરિક સુવિધા ઘરઆંગણે’ના અભિગમને સાર્થક કરવા મુંદરા તાલુકામાં ‘સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)’ ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે તારીખ ૧૦/૦૩/૨૦૨૬, મંગળવાર ના રોજ મોખા ગામે સાર્વજનિક સમાજવાડી ખાતે સવારે ૯ કલાકથી વિશાળ કેમ્પ યોજાશે.
મુંદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંયુક્ત સંકલન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોખા ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ ૧૮ ગામોના નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી યોજનાકીય સેવાઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.
આ ૧૮ ગામોના લોકો લઈ શકશે લાભ:
આ કેમ્પમાં વડાલા, ભદ્રેશ્વર, હટડી, કુકડસર, લુણી, ગુંદાલા, છસરા, મોખા, વવાર, વાઘુરા, લફરા, ફાચરીયા, કુવાય-પધ્ધર, બગડા, રાઘા, રતાડીયા, કુંદરોડી અને પાવડિયારા ગામના લોકો પોતાની અરજીઓ સાથે ઉપસ્થિત રહી શકશે.
સ્થળ પર મળનારી મુખ્ય સેવાઓ:
* પ્રમાણપત્રો: આવક, જાતિ, વિચરતી-વિમુકત જાતિ તથા નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો.
* કાર્ડ સેવાઓ: નવા રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ દાખલ કે કમી કરવું, આધારકાર્ડ નોંધણી અને સુધારા.
* આરોગ્ય: આયુષ્માન ભારત કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ.
* સમાજ કલ્યાણ: વિધવા સહાય (ગંગાસ્વરૂપા આર્થિક સહાય), નિરાધાર વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય અને સિનિયર સિટીઝન પ્રમાણપત્ર.
* મહેસૂલ: જમીન માપણી, નવી હક્કનોંધ (૭/૧૨, ૮-અ) અને વારસાઈને લગતી અરજીઓ.
* અન્ય: કૃષિ, પશુપાલન અને પંચાયત વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ.
અધિકારીઓની હાજરી અને સમયમર્યાદા:
આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ સવારે ૯ કલાકથી જ હાજર રહેશે. લાભ લેવા ઈચ્છતા ગ્રામજનોએ સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન પોતાની અરજીઓ જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવાની રહેશે જેથી તે જ દિવસે સાંજ સુધીમાં અરજીઓનો નિકાલ કરી શકાય.
મુંદરા વહીવટી તંત્ર દ્વારા ક્લસ્ટરના તમામ ગામના લોકોને આ તકનો મહત્તમ લાભ લેવા અને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરઆંગણે સેવાઓ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



