GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યમાં પહેલી વાર શ્રમ રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ દ્વારા રાજકોટ જિલ્લા કચેરીઓની રૂબરૂ મુલાકાત-ચેકિંગ

તા.૨૦/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

શ્રમ, રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ હેઠળની છ કચેરીઓમાં મંત્રીશ્રીએ જાત નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી

રાજકોટને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર તથા ગ્રામ વિકાસ ક્ષેત્રે ‘મોડેલ જિલ્લો’ બનાવવા આહવાન

Rajkot: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામવિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આજે રાજકોટના પ્રવાસ દરમિયાન તેમના વિભાગની છ જિલ્લા-પ્રાદેશિક કચેરીઓની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા અને કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી લોક-કલ્યાણની ભાવના સાથે કામ કરવા પ્રેરણા આપી હતી.

રાજ્યમાં કદાચ એવું પહેલી વાર બન્યું કે, કોઈ શ્રમ, રોજગાર મંત્રીશ્રીએ રાજકોટમાં એક સાથે છ જેટલી જિલ્લા કચેરીની મુલાકાત લીધી હોય. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આજે રાજકોટમાં (૧) પ્રાદેશિક નાયબ નિયામક (તાલીમ) કચેરી, (૨) મદદનીશ રોજગાર નિયામક-રોજગાર કચેરી, (૩) નાયબ નિયામક-બોઈલરની કચેરી, (૪) સંયુક્ત નિયામક-જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરી, (૫) નાયબ નિયામક શ્રમ આયુક્ત કચેરી તેમજ (૬) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં જાત તપાસ માટે પહોંચ્યા હતા તથા મંત્રીશ્રીએ કામદાર વિમા હોસ્પિટલ તથા એક બાંધકામ સાઈટ ખાતે ધન્વંતરી આરોગ્ય રથની પણ મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ આ કચેરીઓમાં થતી કામગીરી, મહેકમની સ્થિતિ, નાગરિકલક્ષી સુવિધા સહિતની બાબતોનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. ઉપરાંત સ્ટાફ તેમજ મુલાકાતી નાગરિકો સાથે સંવાદ કરીને ગ્રાઉન્ડ રિયાલિટી જાણી હતી. બાદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે આ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. જેમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, ગામડામાં શહેરો જેવી સુવિધા મળતી થાય તેવા અભિગમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રામ વિકાસ પર ભાર આપી રહી છે. દેશમાં કૌશલ્ય વિકાસ થકી વધુમાં વધુ રોજગાર સર્જન કરવા પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ભાર મુકી રહ્યા છે, ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરીઓએ વધુમાં વધુ રોજગાર સર્જન થાય તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, ફરજની સાથે આ માનવતાનું કાર્ય છે. કોઈને રોજગાર આપવાથી તે વ્યક્તિના અને તેના પરિવારના જીવનધોરણને ઉચ્ચ કક્ષાનું બનાવી શકાય છે. શ્રમિકોનું શોષણ ન થાય અને તેમના કાર્યસ્થળનું વાતાવરણ પ્રોત્સાહક હોય તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. નવા ઔદ્યોગિક વિસ્તારોમાં યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે જે કંઈ પણ આવશ્યકતા હોય, તેની પૂર્તિ કરવા માટે પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામ કરવા તેમણે પ્રેરણા આપી હતી.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ધો.૧૦-૧૨ પછી અનેક યુવાનો રોજગાર માટે પ્રયાસ કરતા હોય ત્યારે તેમને કારકિર્દી – રોજગારલક્ષી તાલીમ આપવી એ પૂણ્યનું કામ છે.

તેમણે કહ્યું હતું કે, ગ્રામવિકાસ અને શ્રમ વિભાગ તથા કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સાથે મળીને ઘણું કામ કરી શકે છે. તેમણે ઉપસ્થિત અધિકારીઓને ‘કંઈક નવું ઉમદા કરવાની ભાવના’ સાથે કામ કરવા પ્રેરણા આપી હતી. આ સાથે રાજકોટ જિલ્લાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ ક્ષેત્રે મોડેલ જિલ્લો બનાવવા આહવાન કર્યું હતું.

આ તકે મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી ચેતન ગણાત્રા, અધિક અંગત સચિવ શ્રી શિવરાજ ગિલવા, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી એ.કે. વસ્તાણી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!