ગાંધી કચ્છ યાત્રા શતાબ્દીની ઉત્સાહભેર ઉજવણી નિરોણાની એસ.એસ.પી.એ હાઇસ્કૂલ મધ્યે કરાઇ.
ગાંધી ગીતો અને બાળ ગીતો સાથે સૌ જૂમી ઉઠ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નિરોણા, તા.૨૫ : જુલાઈ : શ્રી સારસ્વતમ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે આજરોજ મહાત્મા ગાંધીજીની કચ્છયાત્રાની શતાબ્દી પ્રસંગે એક વિશિષ્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમનો મૂળ હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, સ્વદેશી વિચાર, આચાર, આહાર અને સ્વ-રોજગારી જેવા મૂલ્યોના સંસ્કાર સિંચનનો રહેલ હતો.આ કાર્યક્રમનું સુચારૂ આયોજન શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને માં શારદેની સ્તુતિ સાથે કરવામાં આવેલ હતી.કાર્યક્રમમાં ગાંધી વિચારને જીવનમૂલ્ય સ્વરૂપે અપનાવનાર અમદાવાદના પ્રખ્યાત પ્રવક્તા શ્રી રમેશભાઈ બારોટનું શાળા તરફથી પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી આદરસભર સ્વાગત કરાયેલ હતુ. ત્યારબાદ રમેશભાઈએ બાળકોને બાળગીતો અને ગાંધી ગીતો ગવડાવી ભાવવિભોર કરેલ હતા. ત્યારબાદ દેશભક્તિના નારા બોલાવી સમગ્ર શાળાના વાતાવરણને દેશદાઝથી ભરી દીધેલ હતુ.વિશેષ રીતે તેમણે “ચરખો ચાલુ રહે” આવા પ્રેરક સંદેશા સાથે વિદ્યાર્થીઓને ચરખાના ઇતિહાસ અને ઉપયોગ અંગે માહિતી આપેલ હતી તેમજ ચરખાની ઉપયોગીતા અને રોજગારીમાં તેની ભુમિકા વિશે વિશદ વાત કરેલ હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સેવક શ્રી મોહનભાઈ માતાએ કર્યું હતું અને આભાર વિધિ શ્રી રમેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવેલ હતી, એવુ વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.







