ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ રોડ રસ્તા રીપેરીંગની કામગીરીની મુલાકાત લઈને સમીક્ષા કરી.
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓના રીપેરીંગ, પેચવર્ક અને પેવર બ્લોક ફિટિંગની કામગીરી પ્રગતિમાં.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૧૬ જુલાઈ : કચ્છમાં ગાંધીધામ શહેરમાં મહાનગપાલિકાના કમિશનરશ્રી મેહુલ દેસાઈએ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરીનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી. ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડમાં રોડ રસ્તાઓ, સાફસફાઈ તેમજ પેવર બ્લોક ફિટિંગની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સતત બીજા દિવસે મ્યુનિસિપલ કમિશનર એ ફિલ્ડ વિઝિટ કરીને કામગીરી ગુણવત્તાયુક્ત રીતે થાય તે સુનિશ્ચિત કરવા સહિત વિવિધ માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. કમિશનર એ મુલાકાત દરમિયાન વિવિધ વિસ્તારના રહીશો સાથે સંવાદ કરીને તેમના સૂચનોને આવકાર્યા હતા કમિશનર મેહુલ દેસાઈએ રોડ રસ્તાની કામગીરીના નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત સંબંધિત અધિકારી ઓ અને કોન્ટ્રાક્ટર્સ પાસેથી વર્તમાન કામગીરીની વિગતો મેળવી હતી. નાગરિકોને પરિવહન સુવિધાઓ સુદઢ રીતે ઉપલબ્ધ થાય તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓ ત્વરિત રીપેર થાય અને વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે દિશામાં રાત દિવસ કામગીરી શરૂ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તે નિયત સમયમાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, સિટી ઈજનેર સહિત વિવિધ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.











