BHARUCHGUJARAT

વાગરા: સલાદરા ગામના તળાવમાંથી મળેલ યુવકની લાશને પી.એમ અર્થે સુરત FSL માં મોકલવામાં આવી

ફોરેન્સીક રિપોર્ટના આધારેજ યુવકના મોતનું રહસ્ય બહાર આવશે..

ચોથી સપ્ટેમ્બરના રોજ યુવક ગુમ થયો હતો..

પિતાની શંકાને આધારે મૃતકનું પી.એમ અર્થે લાશને સુરત ફોરેન્સીકમાં લઇ જવાઇ..

વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ દોડી જઇ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી. જોકે પિતાની શંકાને આધારે મૃતકનું પી.એમ અર્થે લાશ
સુરત ફોરેન્સીકમાં લઇ જવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વાગરાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગત ચોથી સપ્ટેમ્બર ના રોજ સાંજના આઠેક વાગ્યે ઘરે જમીને નીકળ્યો હતો. રાત્રીના આશરે અગિયાર વાગ્યા સુધી પુત્ર પરત નહિ આવતા તેના પિતા એ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેનો પટ્ટો લાગ્યો ન હતો. અને તેનો ફોન પણ સ્વિચ ઑફ આવ્યો હતો.આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથકે કરવા આવતા બપોરના સમયે તેમના ઉપર ગામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યુ હતુ કે, આપણા ગામના તળાવમાં એક યુવકની લાશ તરે છે. આ બાબતની પોલીસને જાણ કરી તે ગામના તળાવ ઉપર પહોંચ્યા હતા. પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇ લાશને બહાર કઢાવી હતી. આ લાશ અનિલની હોવાનું બહાર આવ્યુ હતુ. મૃતકની લાશને પી.એમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી. પરંતુ મૃતકના પિતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતા દાખવી આજરોજ મૃતકની લાશનું પી.એમ કરવા માટે સુરત એફ.એસ.એલ માં લઇ જવાયાની માહિતી સાંપડી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ખરેખર અનીલની કોઈએ ઠંડા કલેજે હત્યા કરી છે.? કે પછી તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયુ છે.? એ તો ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય બહાર આવશે. પરંતુ હાલ તો અનિલનું મોત કઈ રીતે થયુ હશે તે મામલે સલાદરા ગામના લોકોમાં અનેક તર્ક વિતર્ક ઉભા થવા પામ્યા છે.

સમીર પટેલ, ભરુચ

Back to top button
error: Content is protected !!