ગાંધીનગર ચેરેડીમાં હજારો છાપરા, નાના મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવતા AAP નેતા ઈસુદાન ગઢવીએ લીધી પીડિતોની મુલાકાત
ચરેડી થી બે કિલોમીટર દૂર રહેનાર મુખ્યમંત્રી પોતે બિલ્ડર, તેમણે બિલ્ડર મિત્રોને ફાયદો કરાવવા ગરીબોના ઘર તોડ્યા હોય તેવી શંકા: ઈસુદાન ગઢવી
અમદાવાદ
ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં તંત્ર દ્વારા હજારો છાપરા અને નાના મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવતા ત્યાંના હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે. આ પીડિત પરિવારોની આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી અને રડતી દીકરીઓની વેદના સાંભળી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની સાથે સાથે લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કર, ગાંધીનગરના કોર્પોરેટર તુષાર પરીખ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ચરેડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમ દ્વારા માહિતી મળી હતી કે ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં અંદાજે 60 વર્ષથી છાપરાવાળા રહે છે. આ લોકોને ત્યાંથી કાઢીને મધરાત્રે જેસીબી દ્વારા છાપરા પાડીને આ જમીન ખાલી કરાવવાનું સરકારે કર્યું છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈપણ વ્યક્તિ 30 વર્ષથી એક જ જગ્યાએ રહેતી હોય તો તેમને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપ્યા બાદ જ જમીન ખાલી કરાવી શકાય. અમે ખભેથી ખભો મિલાવીને અમે પીડિત લોકો સાથે ઉભા છીએ. જરૂરત પડી તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. આ જગ્યાથી બે કિલોમીટર દૂર જ મુખ્યમંત્રીનો બંગલો છે. મુખ્યમંત્રીએ બિલ્ડરો સાથે મીટીંગ કરી છે આ જમીન ખાલી કરીને હરાજીના નાટક કરવામાં આવશે અને હરાજીનું નાટક કરી આ કરોડો અબજોની જમીન કોઈ બિલ્ડરને પધરાવશે અને બિલ્ડરો પછી મોટી મોટી બિલ્ડીંગ ઊભી કરશે.
મેં જોયું કે બે ત્રણ કિલોમીટર સુધીના મકાનો પાડી દેવામાં આવે છે અને અન્ય લોકોને નોટિસ આપવામાં આવી છે. આ આખું ષડયંત્ર છે, આ કરોડો રૂપિયાની જમીન છે. એના ઉપર કોઈ બિલ્ડરોની નજર પડી છે, માટે આ ઘરો પાડવામાં આવે છે. જેની પાસે મકાન ના હોય એને મકાન આપવાનું કામ સરકારનું હોય છે. તમે ટેક્સ ભર્યો છે તમે લાઈટ બિલ ભરેલા છે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી તમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી તમને કોઈ હટાવી શકે નહીં. આ લોકો એવું વિચારે છે કે તમારી પાછળ કોઈ નથી, આ લોકો ગરીબ છે આ લોકોને પોલીસનો ડર બતાવી હટાવી દઈશું. પરંતુ આ તમામ લોકોની સાથે આમ આદમી પાર્ટી ઉભી છે. અહીંયા મેં જોયું કે દસમા ધોરણમાં ભણતી બાળકીઓ મારી પાસે આવીને રડતી હતી તેમના ચોપડાઓ આજે રોડ ઉપર પડ્યા છે, જે જોઈને મને કંંપારી છૂટી ગઈ. સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાવાનું છે, બાળકોને ઘર આપવાનું છે, તેમના માટે ભણવાની વ્યવસ્થા કરવાની છે, ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે, એની જગ્યાએ સરકાર એમના ઘર તોડી રહી છે. આ ઘરો સાથે આંગણવાડી પણ તોડી નાખવામાં આવી છે, જેનાથી નાના બાળકો અને મહિલાઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સરકાર ગરીબોને ઘર આપવાના બદલે તેમના માથા પરથી છત જ છીનવી રહી છે. જ્યારે રાજ્યભરમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા ખુલ્લેઆમ રીતે ચાલી રહ્યા છે ત્યારે સરકાર તેને બંધ કરાવવાના બદલે નિર્દોષ ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવી રહી છે.
આ લોકો પાસે દસ્તાવેજો છે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઈટ બિલ સહિત તમામ ઓળખ પુરાવા છે. સરકારે મુખ્યમંત્રી અને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનર અને મેયરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમના મકાન તોડ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન વિરુદ્ધ આ લોકોના મકાન તોડવામાં આવ્યા છે. આ બાબતે કમિશનર ઉપર મકાન તોડાવનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ થઈ શકે છે. ભવિષ્યમાં મુખ્યમંત્રી મૃદુ અને મક્કમતાની વાત ન કરે તો સારું છે, કારણ કે તમે આ પ્રજાને નીતિ નિયમો નેવે મૂકીને કચાડવાનું કામ કર્યું છે, એકદમ નિમ્ન કક્ષાનું કામ કર્યું છે. અમારી 100 લોકોની ટીમ આ લોકોની સાથે છે. ગાંધીનગર અને અમદાવાદથી અમે વકીલોની ટીમ બોલાવી છે, જ્યાં જરૂર પડે ત્યાં અમે આ લોકોને સપોર્ટ કરીશું. આ લોકોનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશું અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ અમે લોકો તૈયાર છીએ. આ લોકોને અમે ફ્રીમાં વકીલોની સવલતો આપીશું એવી અમે ખાતરી આપી છે. હું મુખ્યમંત્રીના કહેવા માગું છું કે તમે આ લોકોની જમીન ઉપર કબજો કર્યો છે તમે પહેલા આ લોકોને મળો. આ તમારા રાજ્યની પ્રજા છે તમે એમને મળો અને એમની પીડા સમજો તમારી પ્રજાની હાલત શું છે એ જુઓ.