ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો, રોજના સરેરાશ 340 જેટલા કેસ

ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ 340 જેટલા કેસ સામે આવી રહ્યા છે. હવે શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે અને પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે ત્યારે શ્વાસની સમસ્યાના કેસમાં હજુ વધારો થાય તેવી સંભાવના છે.
તાજેતરમાં જ 32 વર્ષીય યુવાનને લગ્નપ્રસંગમાં શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતાં તાકીદે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો. સામાન્ય રીતે શ્વાસની સમસ્યા યુવાનોને ખાસ અસર કરતી નથી. પરંતુ હાલ વાતાવરણમાં સ્મોગનું પ્રમાણ વધી ગયું હોવાથી શ્વાસની સમસ્યા ધરાવતા દર્દી વધી રહ્યા છે અને તેમને નોર્મલ થવા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. અમદાવાદ જેવા શહેરમાં શ્વાસના ઈન્ફેક્શન અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનોરી ડિસિઝ (સીઓપીડી) સાથેના દર્દી ઓપીડીમાં વધારે જોવા મળે છે.
હાલ વાતાવરણમાં સતત થઇ રહેલા પરિવર્તનથી પણ શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. આ ઉપરાંત પક્ષીઓની હગાર, ટ્રાફિક ધરાવતા રસ્તામાં લાંબો સમય ઉભા રહેવાનું થાય તો પણ શ્વાસની સમસ્યામાં વધારો થાય છે. હાલ જે દર્દીઓ જોવા મળે છે તેમાંથી મોટાભાગના 40થી વઘુ વયના છે. ડૉક્ટરના મતે શ્વાસની સમસ્યા હોય તેમણે ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવું જોઇએ. વૃદ્ધો, કોમોર્બિડિટી ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ. જેના ભાગરૂપે અનેક લોકો એકત્ર થયા હોય તેવા સ્થળોએ તેમણે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે. શરદી-ઉધરસ હોય તેમણે પણ માસ્ક પહેરી રાખવું જોઇએ. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ બાદ ઈન્ફ્લૂએન્ઝાની વેક્સિન પણ લઇ લેવામાં આવે તે જરૂરી છે.(૧૦૮ દ્વારા જાહેર આંકડાઓ અનુસાર)






