‘દાદા’ સરકારની ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ!, 5 અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
રાજ્યની ‘દાદા’ સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ બોલાવી છે. એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. ત્યારે, હવે એક સાથે વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં આ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો હુકમ કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા વધુ 5 સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં 5 અધિકારીઓ પર તવાઈ બોલાવી તેમને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલાને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. સાથે જ એવી પણ માહિતી છે કે અધિકારીઓ વિરુદ્ધ વિભાગ હસ્તક ચાલતી તપાસ યથાવત રહેશે.
જાહેર કરેલા આદેશ મુજબ, ફરજિયાત નિવૃત્ત કરેલા અધિકારીઓને સામેની પડતર ખાતાકીય તપાસ અને ફોજદારી કેસ ચાલુ રહેશે. ઉપરાંત, આ અધિકારીઓ વિરુદ્ધ ભવિષ્યમાં જો કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ થશે તો તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરાશે. જણાવી દઈએ કે, આ પહેલા પણ 7 નવેમ્બરે મહેસૂલ વિભાગનાં સુપ્રિટેન્ડન્ટ લેંડ રેકોર્ડના વર્ગ 1 નાં અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા. જ્યારે, 8 નવેમ્બરનાં રોજ ભીલોડા ITI ના પ્રિન્સિપાલ અને સુરત ITI ના પ્રિન્સિપાલને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી.