રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું પંચમહાલ, ગોધરામાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા-હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા ખાતે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારો નગરજનો ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયા, જેનાથી આખું નગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી આ યાત્રામાં પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો, એનસીસીના વિદ્યાર્થીઓ, શાળાના બાળકો, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા હતા. આ યાત્રા પોલીસ બેન્ડ, દેશભક્તિના ગીતો અને બાઈક રેલી સાથે પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈને રામસાગર તળાવ સુધી પહોંચી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે તિરંગાનું માન-સન્માન જાળવવા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે સ્વતંત્રતા માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા અને સ્વચ્છતાનું મહત્વ સમજાવીને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રેન્જ આઈ.જી. આર.વી. અસારીએ જણાવ્યું હતું કે, “તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ આપણા દેશની શાન, એકતા અને ગૌરવનું પ્રતીક છે.” તેમણે દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા અને આર્થિક પ્રગતિમાં યોગદાન આપવા માટે લોકોને અપીલ કરી હતી.
આ તિરંગા યાત્રામાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સી.કે. રાઉલજી, નિમિષાબેન સુથાર, અને જયદ્રથસિંહ પરમાર સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને પોલીસના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાથી ગોધરાનું વાતાવરણ સંપૂર્ણપણે તિરંગામય બની ગયું હતું.