‘કુપોષણ મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત 509 કરોડ વાપર્યા છતાં 5.40 લાખ બાળક કુપોષિત
કુપોષણમુક્ત ગુજરાત’ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે ખુદ સરકારે આપેલા આંકડાએ સમગ્ર અભિયાનની પોલ ઉઘાડી પાડી દીધી છે. ગુજરાતમાં કુપોષણનું ચિત્ર ચિંતા ઉપજાવનારું છે. તેનું કારણ એ છે કે, સમૃદ્ધ ગુજરાતમાં દૂબળા પાતળા કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. વિધાનસભા ગૃહમાં સરકારે જ માહિતી રજૂ કરી છે કે, કુપોષણ નાબૂદી પાછળ છેલ્લાં બે વર્ષમાં રૂ. 509 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાંય ગુજરાતમાં આજે પણ 5.40 લાખ બાળકો કુપોષિત છે.
રાજ્યમાં આજે પણ હજારો કુટુંબો એવા છે જેમને પૂરતો આહાર મળતો નથી. સગર્ભા માતા કુપોષણયુક્ત આહારથી વંચિત રહી છે. વધતાં જતાં કુપોષણ માટે ગરીબી પણ એટલી જ જવાબદાર છે. મહત્ત્વની વાત એ છે કે, કુપોષણ નાબુદી માટે રાજ્ય સરકાર મમતા અભિયાન, કુપોષણમુક્ત ગુજરાત, નમો શ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ, માતૃવંદના સહિત ઘણી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય કુપોષણ કાબુમાં લઈ શકાયું નથી.
સગર્ભાઓને પોષણયુક્ત આહાર આપીને સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાંય ખાસ કરીને આદિવાસી-પછાત જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. જો કે, સરકારે દાવો કર્યો છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો થયો છે પણ વાસ્તવિકતા એ છે કે, સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. માત્ર દસેક જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 1,73,514 છે.
સરકારે સ્વીકાર્યું કે, જાન્યુઆરી-2025 સુધી ગુજરાતમાં કુલ મળીને 5,40,303 બાળકો કુપોષિત છે. ગ્રોથ એન્જિન ગણાતાં ગુજરાતમાં કુપોષણની સમસ્યા પર કાબુ મેળવી શકાયો નથી. સરકારે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, કુપોષણ નાબુદી માટે વર્ષ 2023-24માં રૂ. 264 કરોડ જ્યારે વર્ષ 2024-25માં રૂ. 245 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં લાખો બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. એ જ દર્શાવે છે કે, કુપોષણ નાબુદી માટેની સરકારી યોજના માત્ર નામ પૂરતી જ રહી છે.